Ahmedabad

બ્લિન્કિટના નાણાં રિફંડ આપવાનું કહી એપીકે ફાઇલ મોકલી નર્સ સાથે ઠગાઇ

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ 6 વ્યક્તિઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વસ્ત્રાપુરમાં મહિલાને રિફંડ, થલતેજમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ભાડું, જ્યારે આંબાવાડીમાં અદાણી ગેસ બિલના નામે APK ફાઈલ મોકલી નાણાં સેરવ્યા. રાણીપમાં ડોક્ટરના ગેમ આઈડી-ઈમેઈલ બદલી, સેટેલાઇટમાં બેંક વિગતો મેળવી અને નરોડામાં રોકાણના નામે કુલ 20 લાખની છેતરપિંડી થઈ છે. સાયબર ક્રાઈમ સેલે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્લિન્કિટના નાણાં રિફંડ આપવાનું કહી એપીકે ફાઇલ મોકલી નર્સ સાથે ઠગાઇ

Ahmedabad Crime News : સાયબર ગઠિયાઓએ નાણાં પડાવવા માટે વિવિધ મોડ્સ ઓપરેન્ડી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છ જેટલી વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હોવાની અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. જેમાં વસ્ત્રાપુરમાં એક મહિલાને બ્લિન્કિટમાંથી રીફંડ અપાવવાનું, થલતેજમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ભાડુ આપવાનું કહી તેમજ આંબાવાડી વિસ્તારમાં અદાણી ગેસનું બીલ બાકી હોવાનું કહીને એપીકે ફાઇલ મોકલીને બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા.રાણીપમાં ડોક્ટરને ગેમમાં પોઇન્ટ આપવાના નામે આઇડી-ઇમેઇલ બદલી નખાયાઃ થલતેજમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ભાડુ ચુકવવાનું કહીને નાણાં પડાવાયા.

બનાવ-1
થલતેજમાં આવેલા હરીદ્વાર બંગ્લોઝમાં રહેતા ચાંદનીબેન પટેલના પિતા હેબતપુરમાં ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટે ભાડે આપે છે. થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો કે તેમના પિતાએ તમારા બેંક એકાઉન્ટમાંથી ભાડુ આપવાનું કહ્યું છે. જેના નાણાં 10 હજાર ટ્રાન્સફર કર્યા છે. જેનો મેસેજ જોઇને ચાંદનીબેનને વિશ્વાસ આવ્યો હતો. થોડા સમય બાદ તે વ્યક્તિએ અજાણ્યા નંબરથી કોલ કર્યો હતો અને કહ્યું હતું તેના ભાઇને હોસ્પિટલમાં નાણાં ટ્રાન્સફર કરવાના છે. પરંતુ, તેના એકાઉન્ટમાંથી થતા નથી. હું તમને 90 હજાર મોકલું છું. જેના મેસેજ જોેઇને વિશ્વાસ કરીને ચાંદનીબેને કુલ ૫૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પેમેન્ટ ન થયુ નહોતું અને કોલ કરનારે ફોન કટ કરી દીધો હતો. તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે કોઇએ ગુગલ પેના ખોટા મેસેજ મોકલીને છેતરપિંડી આચરી હતી.
બનાવ-2
આંબાવાડીમાં આવેલા પુષ્કર-7 એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઇ શાહને અદાણીના નામનો મેસેજ આવ્યો હતો કે બીલ અપડેટ થયુ ન હોવાથી રાતના સાડા નવ વાગે ગેસ કનેક્શન બંધ થઇ જશે. મયુરભાઇએ જે નંબરથી મેસેજ આવ્યો હતો ત્યા ફોન કરતા કોલ રીસીવ કરનારે બીલ પેમેન્ટ માટેની લીંક મોકલવાનું કહીને ડેબીટ કાર્ડની વિગતો જાણીને ગઠિયાએ 1.63 લાખની રકમની ઉચાપત કરી હતી.
બનાવ-3
રાણીપમાં આવેલી જે વી પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. જીગ્નેશ નાયકે ફરિયાદ નોંધાવી છે કે તે મોબાઇલ ફોન પર બીજીએમઆઇ નામની ગેમ રમતા હતા. થોડા દિવસ પહેલા તેમને એક અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો અને ફોન કરનારે જણાવ્યું હતું કે જીગ્નેશભાઇ સારી રીતે ગેમ રમે છે. તમારૂ આઇડી સારૂ છે. જેમાં તમને પોઇન્ટ આપીશ. આ માટે તમારે સ્ક્રીન શેર કરવી પડશે. જેથી વિશ્વાસ કરીને સ્ક્રીન શેર કર્યો હતો. ત્યારબાદ જીગ્નેશભાઇનો મોબાઇલ ફોન અચાનક સ્વીચ ઓફ થઇ ગયો હતો. બાદમાં ફોન ચાલુ થયો ત્યારે જોયુ તો કોઇએ ગેમની આઇડી અને પાસવર્ડ બદલી નાખ્યું હતું.
બનાવ-4
થલતેજમાં રહેતા દર્શિકાબેન મકવાણા નર્સ તરીકે નોકરી કરે છે. તેમણે બ્લીન્કીટમાં મંગાવેલી પ્રોડક્ટ ન મળતા રીફંડ મેળવવા માટે ગુગલ પર બ્લીન્કીટ હેલ્પલાઇનના નામે સર્ચ કરેલા મોબાઇલ નંબર પર કોલ કર્યો હતો. જેમાં તેમને રીફંડ આપવાના નામે એપીકે ફાઇલ મોકલીને ઓટીપી વિના જ બેંક એકાઉન્ટમાંથી 75 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા.
બનાવ-5
સેટેલાઇટ જોધપુર વિસ્તારમાં આવેલા સરગમ ફ્લેટમાં રહેતા સુરેશભાઇ ખટવાણીની બેંક વિગતની માહિતી મેળવીને આઇડી પાસવર્ડની મદદથી કોઇ વ્યક્તિએ 4.70 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
બનાવ-6
નરોડામાં આવેલા આકાશ ગંગા બંગ્લોઝમાં રહેતા હર્ષદભાઇ પટેલે ઇન્સ્ટાગ્રામ પર રોકાણ પર વળતરની રીલ જોઇને સંપર્ક કરતા તેમને ટ્રેડીંગમાં યુએસ ડોલરમાં નફો અપાવવાનું કહીને ગઠિયાઓએ અલગ અલગ સમયે નાણાં મેળવીને કુલ 20 લાખની રકમ મેળવીને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.