સસ્તામાં દાગીનાની લાલચમાં ના ફસાતા, અમદાવાદનો એક જ્વેલર્સ કરોડોનું ફલેકું ફેરવી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Jeweller Fraud: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી જાણીતી 'કોમલ જ્વેલર્સ'નો માલિક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મૂળ નાના ચિલોડાના રહવાસી અને જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણીએ પોતાના નિયમિત ગ્રાહકોનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઓછા ભાવે દાગીના-બિસ્કીટ અને લોનની લાલચ આપી
મળતી માહિતી અનુસાર, આરોપી ઉમેશ ચેલાણીએ છેલ્લા ઘણાં સમયથી પોતાના ગ્રાહકોને બજાર ભાવ કરતા અતિ સસ્તા દરે સોના-ચાંદીના દાગીના અને સોનાના બિસ્કીટ અપાવવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત, અનેક લોકોએ તેની પાસે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને લોન પણ મેળવી હતી. લોકો પાસેથી એડવાન્સ રકમ તેમજ દાગીના મેળવ્યા બાદ વેપારીએ અચાનક પોતાની દુકાન બંધ કરી દીધી હતી.
દુકાન બંધ અને ફોન સ્વીચ ઓફ થતાં પોલ ખુલી
છેલ્લા કેટલાક દિવસોથી દુકાન સતત બંધ રહેતાં અને ઉમેશ ચેલાણીનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતાં ગ્રાહકોને શંકા ગઈ હતી. જેથી ગ્રાહકોએ તેના નાના ચિલોડા ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચીને તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ તે મળી આવ્યો નહોતો. પ્રાથમિક આંકડા અનુસાર, આરોપી ઠગ જ્વેલર્સ ગ્રાહકો સાથે આશરે 5થી 6 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરીને પલાયન થઈ ગયો છે. આ ઘટનાને પગલે ભોગ બનનાર ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




