Ahmedabad

બાવળા હાઇવે પર ઝાડીઓમાંથી નવજાત બાળકી મળી, 108ની ટીમે સમયસર સારવાર આપી આપ્યું નવજીવન

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના બાવળા હાઇવે પર બાવળની ઝાડીઓમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિકોએ 108ને જાણ કરતા ટીમે તાત્કાલિક પહોંચી પ્રાથમિક સારવાર આપી બાળકીને બાવળા હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસે અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવળા હાઇવે પર ઝાડીઓમાંથી નવજાત બાળકી મળી, 108ની ટીમે સમયસર સારવાર આપી આપ્યું નવજીવન

Ahmedabad News: અમદાવાદના બાવળા હાઇવે પરથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હાઇવે નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોની સતર્કતા અને 108 એમ્બ્યુલન્સની કામગીરીને કારણે માસૂમ બાળકીને નવજીવન મળ્યું છે.

108ની ટીમે સ્થળ પર આપી પ્રાથમિક સારવાર

મળતી માહિતી અનુસાર, હાઇવે નજીક બાવળની ઝાડીઓમાંથી બાળકીના રોવાનો અવાજ આવતાં સ્થાનિક લોકોનું ધ્યાન ગયું હતું. લોકોએ તુરંત જ ચાંગોદર 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરી હતી. કૉલ મળતાં જ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકીને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી અને ત્યારબાદ વધુ સંભાળ તેમજ સારવાર અર્થે બાવળા હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

કોઈ નિર્દયી માતા-પિતાએ પોતાનું પાપ છુપાવવા કે સામાજિક ડરે ફૂલ જેવી માસૂમ બાળકીને ઝાડીઓમાં તરછોડી દીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસે માસૂમ બાળકીને ત્યજી દેનાર અજ્ઞાત માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.