દેશભરમાં નવા માળખા સાથે NEET-PG 2026ની પરીક્ષા, ગુજરાતમાંથી 15 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET PG 2026 Exam: મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ (MD/MS) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા સ્નાતક તબીબો માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા દેશભરમાં NEET-PG પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની પરીક્ષા પદ્ધતિમાં નોંધપાત્ર બદલાવ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર પ્રશ્નપત્રને 5 અલગ-અલગ સમયબદ્ધ (ટાઇમ-બાઉન્ડ) વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી આ કસોટીમાં દેશભરમાંથી 2.28 લાખથી વધુ તબીબી ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
પરીક્ષાના નવા માળખા મુજબ, કુલ 800 ગુણની આ પરીક્ષામાં 200 બહુવિકલ્પી (MCQ) પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સમગ્ર પ્રશ્નપત્રને 5 ભાગમાં વિભાજિત કરાયું હતું, જેમાં પ્રત્યેક વિભાગમાં 40 પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 42 મિનિટનો ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો હતો. એકવાર નિયત 42 મિનિટ પૂર્ણ થયા બાદ તે ભાગ ઓટો-લોક થઈ જતો હતો અને ઉમેદવાર ફરી તે વિભાગના પ્રશ્નો જોઈ શકતા નહોતા. કસોટીમાં સાચા ઉત્તર માટે 4 ગુણ મળશે અને ખોટા ઉત્તર બદલ 1 ગુણ કપાશે (નેગેટિવ માર્કિંગ).
રાજ્યમાં આશરે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગત વર્ષના ઉમેદવારોની સરખામણીએ આ વર્ષે આંકડો વધીને 15,000ને પાર પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આશરે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 16 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં અંદાજે 4,000 જેટલા વિદ્યાર્થીઓ કસોટી આપી રહ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પર 100થી 250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. યુનિવર્સિટી સહિતના કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના વાલીઓની ભીડ જોવા મળી હતી.
કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ડમી ઉમેદવારોને પરીક્ષા આપતા અટકાવવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે ઓળખ પ્રક્રિયા વધુ સઘન બનાવતા આધાર આધારિત ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તો આઇરિસ (તારક) સ્કેન દ્વારા ઓળખ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ રખાઈ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તમામ ઉમેદવારોના અસલ ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી.




