Ahmedabad

અમદાવાદમાં કરોડોનું મ્યૂલ એકાઉન્ટ કૌભાંડ: આરોપીઓ 4 દિવસમાં જ જામીન પર છૂટી ગયા, તપાસ એજન્સી સામે કોર્ટે ઉઠાવ્યા સવાલ

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મ્યૂલ બેન્ક એકાઉન્ટ સ્કેમમાં CID સાયબર ક્રાઈમે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, કોર્ટે ડી. એચ. ખંભાતીએ ₹15,000ના જામીન પર મુક્ત કર્યા. કોર્ટે અવલોકન કર્યું કે, ફરિયાદમાં ભોગ બનનારનો ઉલ્લેખ નથી અને રિમાન્ડમાં નક્કર પુરાવા મળ્યા નથી. આ ઘટનાથી સાયબર ક્રાઈમની તપાસ પદ્ધતિ પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં કરોડોનું મ્યૂલ એકાઉન્ટ કૌભાંડ: આરોપીઓ 4 દિવસમાં જ જામીન પર છૂટી ગયા, તપાસ એજન્સી સામે કોર્ટે ઉઠાવ્યા સવાલ

Ahmedabad Mule Bank Account Scam News: ગુજરાત સહિત દેશભરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય લાલચ આપી તેમના નામે 'મ્યૂલ બેન્ક એકાઉન્ટ' ખોલાવામાં આવે છે. જેના થકી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાના મસમોટા સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં પકડાયેલા આવા જ એક ગંભીર રેકેટમાં CID સાયબર ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ તેઓ ગણતરીના દિવસોમાં જ જામીન પર મુક્ત થઈ જતાં અમદાવાદ મેટ્રો કોર્ટ પરિસરમાં સાયબર ક્રાઈમની તપાસની નબળી કડીઓ અને બેદરકારી અંગે ચર્ચાઓ જાગી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતીએ ત્રણેય આરોપીઓને ₹15,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.

કોર્ટે આદેશમાં શું નોંધ્યું?

કોર્ટે આરોપીઓની જામીન અરજી મંજૂર કરતી વખતે સરકારી તપાસ પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કરતું મહત્વનું અવલોકન કર્યું હતું કે, પોલીસ ફરિયાદની હકીકતો જોતાં આ ગુનામાં ભોગ બનનાર (વિક્ટીમ) કોણ છે, તેનો કોઈ જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરોપીઓ 72 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં (રિમાન્ડ પર) હોવા છતાં તેમની પાસેથી ગુના સંદર્ભે કોઈ મહત્વની કે નક્કર હકીકત બહાર લાવી શકાઈ નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને વધુ સમય કસ્ટડીમાં રાખવા યોગ્ય ન જણાતા જામીન મુક્ત કર્યા હતા.

કોર્ટમાં શું થઈ દલીલો?

આરોપીઓ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, પોલીસે માત્ર આશંકા અને શક્યતાઓના આધારે જ આરોપીઓની અટકાયત કરી છે. આ ગુનામાં મુખ્ય આરોપી રાજુભાઈ નામની વ્યક્તિ છે. ફરિયાદમાં કોઈ ભોગ બનનારનો ઉલ્લેખ નથી અને રિમાન્ડ દરમિયાન પણ કંઈ વાંધાજનક મળ્યું નથી. વળી, આ ગુનામાં કાયદાકીય જોગવાઈ 7 વર્ષ સુધીની સજાની જ છે. આરોપીઓ કોર્ટની તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન મળવા પાત્ર છે.

આ પણ વાંચો: અમદાવાદ: રામોલ ખાતે ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં 3 બાળકો સહિત 9ના મોત, ફેક્ટરી માલિક સહિત ત્રણ ઝડપાયા

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં દરોડો પાડીને મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ દ્વારા ₹324 કરોડથી વધુના કાળા નાણાંની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ CID સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, અમરાઈવાડી વિસ્તારમાં કેટલીક બોગસ ફર્મ (પેઢીઓ) ઊભી કરી અન્ય લોકોના મ્યૂલ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની હેરફેરનું રેકેટ ચાલી રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસે 14 જુલાઈ 2026ના રોજ સી.ટી.એમ. વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ પટેલ દીક્ષિત, સુમિત સોની અને પટેલ નિકુંજકુમારને ઝડપી લીધા હતા. તેમની પાસેથી લેપટોપ, મોબાઈલ, 32 ડેબિટ કાર્ડ અને 8 ચેકબુક જપ્ત કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે, આ કેસના અન્ય બે મુખ્ય સૂત્રધારો ગોવિંદ પટેલ અને ધોળકાનો રાજુભાઈ ઉર્ફે ડેવિલ હજુ પણ પોલીસ પકડથી દૂર નાસતા ફરે છે.

ગંભીર ગણાતા આ સાયબર રેકેટમાં માત્ર 4 જ દિવસમાં આરોપીઓ જામીન પર બહાર આવી જતાં સાયબર ક્રાઈમની નબળી ચાર્જશીટ અને તપાસની પદ્ધતિ પર કાનૂની વર્તુળોમાં સવાલો ઊઠી રહ્યા છે.