અમદાવાદમાં મેઘતાંડવ બાદ રસ્તા પરથી 800થી વધુ વાહનો હટાવાયા,AMCને બદલે પોલીસે કર્યું રોડ પરના ખાડાઓનું પુરાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે જળબંબાકારની સ્થિતિમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકો પોતાની કાર અને અન્ય વાહનો વચ્ચે રસ્તે જ છોડીને જતાં રહ્યા હતા. વરસાદી પાણી અને રસ્તામાં અટવાયેલા વાહનોના કારણે શુક્રવારે સવારથી જ શહેરના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
ટ્રાફિક વ્યવસ્થા પુનઃ પૂર્વવત કરવા માટે અમદાવાદ પોલીસે સવારથી વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી.જેમાં રસ્તા પર અડચણરૂપ બનેલા 800થી વધુ અટવાયેલા વાહનોને પોલીસે ક્રેનની મદદથી હટાવીને મુખ્ય માર્ગો ટ્રાફિક માટે ખુલ્લા કર્યા હતા.પાણીના ભારે પ્રવાહમાં અનેક વાહનોની નંબર પ્લેટો તૂટીને પડી ગઈ હતી. પોલીસે માત્ર એક જ દિવસમાં આવી 50થી વધુ નંબર પ્લેટ શોધીને તેના મૂળ માલિકો સુધી પહોંચાડી હતી.
પોલીસે કરવું પડ્યું રોડ પરના ખાડાઓનું પુરાણ
વરસાદના કારણે શહેરના અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. AMCનો સ્ટાફ સમયસર પહોંચી ન શકતા પોલીસે પોતે જ પહેલ કરીને ખાડાઓમાં તાત્કાલિક માટી પુરાણ કરાવ્યું હતું અને હંગામી ધોરણે રસ્તા સરખા કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.









