Ahmedabad

અમદાવાદની હદમાં માત્ર 10 કિ.મી.ના વિસ્તારમાં ફટાકડાના 200થી વધુ ગેરકાયદે કારખાના

By GS Team
19 Jul 20264 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાલ, વટવા સહિતના વિસ્તારોમાં 200થી વધુ ગેરકાયદેસર ફટાકડા કારખાના ધમધમી રહ્યા છે. અહીં બાળકો, યુવાનો અને મહિલાઓ જીવના જોખમે કામ કરે છે. તંત્રની રહેમરાહે ચાલતા આ કારખાનાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે. દિવાળી નજીક આ સંખ્યા 500 વટાવે છે, જ્યાં 500 રૂપિયાના વેતન માટે હજારો લોકો જોખમી પરિસ્થિતિમાં કામ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની હદમાં માત્ર 10 કિ.મી.ના વિસ્તારમાં ફટાકડાના 200થી વધુ ગેરકાયદે કારખાના

Illegal Firecracker Factories: ચોરકોર દારૂગોળાનો જથ્થો અને તેની વચ્ચે બેસીને ફટાકડા બનાવતા બાળકો, યુવાનો અને મહિલાઓ! દરેક ક્ષણે જાણે કોઈ મોટી દુર્ઘટનાની ઘડીઓ ગણાઈ રહી છે. અમદાવાદની ભાગોળે આવેલા કેટલાક વિસ્તાર અને ગામડા ટાઇમ બોમ્બ જેવા બની ગયા છે. તંત્રની રહેમરાહે ખુલ્લા ખેતરો, ખાલી પડેલા પ્લોટોમાં ગેરકાયદે રીતે ફટાકડાના કારખાનાનો રાફડો ફાટ્યો છે. વસ્ત્રાલ, વટવા આસપાસના ગામોમાં માત્ર દસેક કિલોમીટરમાં જ આવા 200થી વધુ નાના-મોટા કારખાના ધમધમી રહ્યા છે. ત્યારે આવા મોતના કુવાઓમાં રોજ હજારો લોકો જીવના જોખમે કામ કરી રહ્યા છે.

દિવાળી નજીક 500એ પહોંચી જતી કારખાનાની સંખ્યા

પૂર્વ અમદાવાદમાં રીંગ રોડની આસપાસના કેટલાક ગામ મિની શિવાકાશી એટલે કે ફટાકડાની ફેક્ટરીઓનું હબ બની ગયા છે. વસ્ત્રાલ, વટવા, હાથીજણ, રામોલ પાસેના ગામડામાં માત્ર દસેક કિમીમાં જ આવા 200થી વધુ નાના-મોટા કારખાના ચાલે છે. દિવાળી સમયે તો તેમની સંખ્યા 500 વટાવી જાય છે. વચ્ચે દિવસ રાત કામ કરી રહ્યા છે. જેમાં 20થી 30 ટકા મહિલાઓ અને બાળકો હોવાનું સ્થાનિકોનો અંદાજ છે. જ્યાં ક્યારેક વીજ વાઈરમાં થયેલા તણખલાં, ફેંકી દેવાયેલી સળગતી સિગારેટનો કણ પણ અગનગોળામાં ફેરવાઈ શકે છે. પરંતુ આગ ઓલવવા માટે ત્યાં પાણીનું ટીંપુંય મળશે નહીં. કારણ કે તંત્રની મિલીભગતથી ફાયર સેફ્ટીના નિયમોને મજાક બનાવી દેવાયો છે.

ફાયર એલાર્મ, એક્સટિંગ્વિશર, પાણીની ટાંકીઓ, સ્પ્રિંકલર જેવી કોઈ વ્યવસ્થા અહીં જોવા મળતી નથી. તેમના પ્રવેશ અને નિકાસ દ્વાર પણ એવી ભેદી રીતે બનાવાયા હોય છે કે દુર્ઘટના સમયે લોકો માટે ભાગીને બહાર જવાનો રસ્તો પણ બચતો નથી. તેમજ કોઈ તેમને બચાવવા સરળતાથી અંદર આવી શકતું નથી. તંત્રની મીઠીનજર હેઠળ લોકો જીવતા ભુંજાઈ જાય છે અને સેંકડો પરિવારો વિખેરાઈ જાય છે. આ છે સુરક્ષિત રાજ્યનું નવું મોડલ!

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના

•20મી એપ્રિલ 2023: અરવલ્લી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ-વિસ્ફોટમાં ચારના મોત. પ્રાથમિક તપાસમાં સલામતી નિયમના ભંગની આશંકા.
•10મી મે 2023: પરવાનગી વગર ફટાકડા સંગ્રહતા ગોડાઉનમાં આગ. અનેક લોકો દાઝ્યા. ગેરકાયદે સંગ્રહ મુદ્દે કાર્યવાહી.
•21મી એપ્રિલ 2024: અમદાવાદના વત્રાલમાં ફટાકડા બનાવવાના યુનિટમાં વિસ્ફોટ. બે વ્યક્તિના મોત.
•પહેલી એપ્રિલ ૨૦૨૫ : ડીસા ખાતે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ. 7 બાળકો સહિત 21 ના મોત. લાયસન્સ સમાપ્ત હોવા છતાં કામગીરી જારી હતી.
•એપ્રિલ 2026: બોટાદના ટીંભીમાં લાયસન્સ ધરાવતા ફટાકડા યુનિટમાં વિસ્ફોટ. 1 કિશોરનું મોત, 2 ઈજાગ્રસ્ત.
•જૂન 2026: ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, બે શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

મળતિયા અધિકારીઓ દ્વારા અપાતી ખોટી મંજૂરીઓ

ફટાકડાના મોટા ભાગના કરાખાના મંજૂરી વગર અથવા તો ખોટી મંજૂરીઓ મેળવીને ચલાવાય છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, આવા જોખમી કારખાના શરૂ કરવા માટે આવતી અરજીઓ અંગે સ્થળ તપાસ કર્યા વગર જ જવાબદાર અધિકારીઓ દ્વારા ખોટી મંજૂરી આપી દેવાય છે. ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કર્યા વગર વેચાણના લાયસન્સ આપી દેવાય છે. ધીમે ધીમે વેચાણના એકમો કારખાનામાં ફેરવાઈ જાય છે. ગ્રામ્ય સ્તરે તલાટી, મામલતદારથી લઈને કેટલાક મળતિયા અધિકારીઓના લીધે આવી જીવલેણ પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. ગ્રામવાસીઓ દ્વારા આ અંગે સાંસદને પણ રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.

દરેક નાની ફેક્ટરીમાં દસેક, જ્યારે મોટી ફેક્ટરીમાં ૨૦થી ૨૫ શ્રમિકો કામ કરતા હોય છે. જે મુજબ આવા કારખાનામાં દરરોજ ત્રણ હજારથી વધુ લોકો સેંકડો કિલો વિસ્ફોટકોના જથ્થા વચ્ચે દિવસ રાત કામ કરી રહ્યા છે.

અમદાવાદના 40 ટકા કારખાનામાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી

માત્ર ફટાકડા જ નહીં વિંઝોલ, નારોલ, રખિયાલ, વટવા વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં એસિડ, અને જ્વલનશીલ કેમિકલના કારખાના કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલી રહ્યા છે. અમદાવાદની આઠેક જીઆઇડીસી અને સંખ્યાબંધ ઔદ્યોગિક એસ્ટેટમાં હાલ આઠથી દસ હજાર નાના-મોટા કારખાના ધમધમી રહ્યા છે. અનુભવી સૂત્રોના જણાવ્યા મુજબ, તેમાંથી ૪૦ ટકા યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા વગર જ ચાલે છે. જ્યાં કામ કરતા હજારો લોકોને દરરોજ મૃત્યુ હાથતાળી આપવા આવે છે.

શ્રમિકોના જીવની કિંમત માત્ર 500 રૂપિયા!

રોજગારીના બીજા કોઈ વિકલ્પ ન મળતા આસપાસના ગામના શ્રમિકો આવા કારખાનામાં દારૂગોળો ભરવા, પેકેજિંગ સહિતના કામ કરવા માટે આવે છે. કેટલીક વખત તો ભાઈ, પત્ની, બાળક સહિત ઘરના ત્રણથી ચાર સભ્યો કારખાનામાં કામ કરતા હોય છે. એક વ્યક્તિને દિવસે 500થી 600 રૂપિયા ભાડું ચૂકવાય છે. આમ શ્રમિકોના જીવની કિંમત માત્ર 500 રૂપિયા હોય તેમ તેમને આવા મોતના કુવામાં ધકેલી દેવાય છે.