Ahmedabad

અમદાવાદના માણેકચોકમાં ગેરકાયદે 150થી વધુ સોના-ચાંદીની ભઠ્ઠીઓ સક્રિય, મોટી હોનારતનું જોખમ

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના માણેકચોકમાં 150થી વધુ ગેરકાયદે સોના-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ધમધમે છે. હેરિટેજ વિસ્તારમાં રહેણાંક મકાનોમાં ચાલતી આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. તાજેતરમાં આગની ઘટના છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે. આ પ્રદુષણથી પાણી અને હવા પણ દૂષિત થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના માણેકચોકમાં ગેરકાયદે 150થી વધુ સોના-ચાંદીની ભઠ્ઠીઓ સક્રિય, મોટી હોનારતનું જોખમ

Ahmedabad Manek Chowk Illegal Furnaces: અમદાવાદના માણેકચોક અને તેની આસપાસના વિસ્તારને હેરીટેજમાં સમાવી લેવાયા બાદ ત્યાં પ્રવાસન વધે તે માટે તંત્ર નતનવા ગતકડાં કરી રહ્યું છે. પરંતુ તે વિસ્તારમાં વસતા લાખો લોકોના જીવને જોખમમાં મૂકતી પ્રવૃત્તિ સામે તંત્ર મૂકપ્રેક્ષક બન્યું છે. માણેક ચોક અને તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં સોના-ચાંદી ગાળવાની તેમજ પોલીશ કરવાની આશરે 150થી વધુ ભઠ્ઠીઓ ગેરકાયદે રીતે ધમધમી રહી છે. થોડાં દિવસ અગાઉ જ ત્યાં રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. જેથી તંત્ર દ્વારા એકલ-દોકલ એકમોની ચકાસણી કરી નોટિસ ફટકારી સંતોષ માની લેવાયો છે. આ માત્ર એક ઘટના હતી. પરંતુ સત્તાધીશોની મીઠીનજર હેઠળ ત્યાં આવા અનેક એકમો ધમધમે છે, જે ગમે ત્યારે ગંભીર દુર્ઘટનાને નોતરી શકે છે.

રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક તેમજ ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં છેલ્લાં કેટલાય સમયથી ગેરકાયદે રીતે વ્યાપારિક પ્રવૃતિઓ ધમધમી રહી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે સોના-ચાંદી ગાળવાની અને પોલીશ કરવાની ભઠ્ઠીના કારણે જળ-વાયુ પરિવર્તન થયું છે. સ્થાનિકોની રજૂઆત અનુસાર, રહેણાંક વિસ્તારમાં નિયમો નેવે મૂકીને કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે.

પાણી પ્રદૂષિત બન્યું

સોના-ચાંદી ગાળતા એકમોમાંથી નિકળતાં ધુમાડાના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થયો છે. સાથે જ તેમાંથી નિકળતા કેમિકલ અને કચરાને પણ સીધા જ ગટર-ડ્રેનેજમાં વહેડાવી દેવામાં આવે છે. જેના લીધે ગટર-ડ્રેનેજ લાઈન ચોકઅપ અને બ્રેકડાઉન સંબંધિત સમસ્યા પણ વધવા પામી છે. પાણી પણ પ્રદૂષિત બન્યું છે.

માત્ર સોના-ચાંદી જ નહીં પ્લાસ્ટિક, કાગળ, બોલ તથા બેરિંગના ગોડાઉન પણ ઊભા કરી દેવાયા છે. જેમાં પ્લાસ્ટિક અને લોખંડનો ભુક્કો સીધો ગટરમાં નાંખી દેવાતા છાશવારે લાઈન ચોકઅપ થઈ જાય છે. અહીં આવા એકમોમાં સતત એલપીજી ગેસનો ઉપયોગ, ફાયર સેફ્ટી, ઈલેક્ટ્રિક સેટી, આગની સ્થિતિમાં બહાર નિકળવા માટે જરૂરી માર્ગ, વેન્ટિલેશનની વ્યવસ્થા અંગે જરૂરી પરવાનગીઓઅને પર્યાવરણીય નિયમોનું પાલન થાય છે કે તે ચકાસવાની તસ્દી લેવામાં આવતી નથી. આ વિસ્તારોમાં અનેક હેરિટેજ ઈમારત આવી રહી છે. પ્રવાસન વધારવા તંત્ર દ્વારા તેનો જોરોશોરોથી પ્રચાર-પ્રસાર કરાય છે. બીજી તરફ આવી પ્રવૃતિઓના કારણે આ હેરિટેજ વારસાને કોઈ નુકસાન પહોંચી રહ્યું છે કે નહીં તે અંગે ચકાસણી કરવાની કોઈ દરકાર લેવાઈ નથી. સ્થાનિકો રજૂઆત કરીને થકી ગયાં છે.

બહેરામપુરા જાણે ગેસ ચેમ્બરમાં ફેરવાયું

બહેરામપુરા, દાણીલીમડા, ઈસનપુર તેમજ નારોલ વિસ્તારમાં પણ ગેરકાયદે સર રીતે અનેક ઘરોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલે છે. તેમાંથી નીકળતા કેમિકલયુક્ત ઝેરી ધૂમાડા અને કચરાને જાહેરમાં જ છોડી દેવાય છે. જેના લીધે રાત પડતાં જ છેક કાંકરિયા સુધી આકાશમાં પ્રદૂષણની ચાદર છવાઈ જાય છે. રહીશોને શ્વાસ લેવા મુશ્કેલ બને છે, આંખોમાં બળતરા થવી કાયમી બન્યું છે. તંત્રની નિંદ્રાના કારણે વિસ્તાર જાણે ગેસ ચેમ્બર બન્યાં હોય તેવી સ્થિતિ છે.

કઈ પોળમાં આવી પ્રવૃત્તિ સૌથી વધુ

•ઘાંચીની પોળ
•દેડકાની પોળ
•રૂપાસૂરચંદની પોળ
•લુહારની પોળ
•ગુસા પારેખની પોળ
•રતનપોળ
•ખેતરપાળની પોળ
•બંધારાનો ખાંચો
•મોચીની ખડકી