અમદાવાદ: મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવો ખુલાસો, 2014માં પણ અહીં થયેલા વિસ્ફોટમાં 14 વર્ષીય સગીરનું મોત થયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Mehmudpura Crackers Factory Blast: રામોલ-ગાત્રાડ રોડ પરના મહમદપુરા ફટાકડા ફેક્ટરીમાં આજે(18 જુલાઈ, 2026) થયેલા ભીષણ બ્લાસ્ટ મામલે એક ચોંકાવનારા ખુલાસા થયો છે. આ દુર્ઘટના પાછળ ફેક્ટરી સંચાલકોની ગંભીર બેદરકારી અને કાળો ઈતિહાસ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ફટાકડા ફેક્ટરી છેલ્લાં 20 કરતાં પણ વધુ વર્ષોથી રમીલાબહેન ડોડિયા (જેઓ મેહુલ ડોડિયાના માતા છે) દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ ફેક્ટરીમાં અગાઉ વર્ષ 2014માં પણ એક ભયાનક બ્લાસ્ટ થયો હતો. એ સમયે થયેલા વિસ્ફોટમાં એક 14 વર્ષના સગીર બાળકનું મોત નીપજ્યું હતું.
મહમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવો ખુલાસો
મળતી માહિતી મુજબ, શરૂઆતમાં નરેન્દ્રભાઈ અને રમીલાબહેને આ જગ્યા ભાડે રાખીને ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જો કે, અગાઉની દુર્ઘટનાઓ અને અનિયમિતતાઓને કારણે તંત્ર દ્વારા તેમનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ રદ થતાં જ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે રમીલાબહેનના પુત્ર મેહુલ ડોડિયાના નામે નવું લાયસન્સ મેળવી લેવામાં આવ્યું હતું અને ફેક્ટરી ધમધમતી રાખવામાં આવી હતી.
2014માં પણ અહીં વિસ્ફોટમાં 14 વર્ષના સગીરનું મોત થયું હતું
આ મામલે સૌથી મોટો વળાંક એ આવ્યો છે કે, તાજેતરમાં જ પોલીસે આ ફેક્ટરીના લાયસન્સ રિન્યુઅલ અંગેની અરજી પર નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. પોલીસના નકારાત્મક અભિપ્રાય છતાં ફેક્ટરી કઈ રીતે કાર્યરત હતી તે હવે તપાસનો વિષય બન્યો છે.
આરોપી મહિલા હોસ્પિટલમાં દાખલ
આ સમગ્ર કાંડમાં જેમના નામે વર્ષોથી ફેક્ટરીનો વહીવટ ચાલતો હતો તે મુખ્ય સંચાલક રમીલાબહેન ડોડિયા હાલમાં એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ છે. પોલીસ હાલ તેના પર નજર રાખી રહી છે અને તેમની તબિયતમાં સુધારો થતાં જ કાયદેસરની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે.

ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનામાં 3 બાળકો સહિત 9ના મોત
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં શનિવારે(18 જુલાઈ) બપોરે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 15 જેટલાં લોકો ઝપટમાં આવ્યા હતા. ઘટનામાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. બાકીના 9ની મણિનગર ખાતેની એલજી અને અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.









