અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ: નિકોલ, મકરબા અને વેજલપુરમાં જળબંબાકાર, ઘરો તથા સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rainfall: અમદાવાદ શહેરમાં આજે (14મી સપ્ટેમ્બર) પડી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પૂર્વના નિકોલ તેમજ પશ્ચિમના મકરબા-વેજલપુર વિસ્તારમાં રહેણાંક સોસાયટીઓ અને રસ્તાઓ પર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નિકોલની 10થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ
નિકોલ વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અને ગટર લાઈનો ઉભરાવાના કારણે અનેક રહેણાંક સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે. નિકોલની સુવાશ, શાંતિવન, તક્ષશિલા, સુરમ્ય ફ્લેટ, સુવિધા, જયદીપ રો હાઉસ, શ્રીનાથ સાર્થક, મૌલિન રેસિડેન્સી અને વૃંદાવન સ્કાય સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવા ઉપરાંત પાણી લોકોના ઘરો સુધી પહોંચી જતાં દૈનિક અવરજવર ઠપ થઈ ગઈ છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મકરબા-વેજલપુર રોડ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો
બીજી તરફ, મકરબા-વેજલપુર રોડ પર પણ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને માધ્યમ અસર પહોંચી છે. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ કરીને ટુ-વ્હીલર અને રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, જેના લીધે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત આસપાસના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની ઉગ્ર માંગ
દર ચોમાસામાં સર્જાતી આ વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. વારંવારની રજૂઆતો છતાં વરસાદી નિકાલની યોગ્ય કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરી રહીશોએ તાત્કાલિક પંપ મૂકી પાણીનો નિકાલ કરાવવા અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ઉગ્ર માંગ કરી છે.




