VIDEO : અમદાવાદના માણેકચોકમાં ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Manekchowk Fire : અમદાવાદ શહેરના ઐતિહાસિક અને ગીચ માણેકચોક વિસ્તારમાં આવેલા ઘાંચીની પોળમાં ગુરુવારે મોડી રાત્રે એક 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગની છત પર ભીષણ આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ બિલ્ડિંગ સોનાની બનાવટ અને વેપાર સાથે સંકાયેલી વિવિધ પેઢીઓનું કેન્દ્ર છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક આગ એલપીજી ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે અચાનક ધડાકો થતાં જ સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સંકડાશ વચ્ચે ફાયર બ્રિગેડની કામગીરી
જૂના શહેરની અત્યંત સાંકડી શેરીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારના કારણે ફાયર બ્રિગેડના વાહનો અને 108 એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને 6 ફાયર ટેન્ડર કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર જવાનોએ સૂઝબૂઝ દાખવીને આગને વધુ વિસ્તરતી અટકાવી હતી અને પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો.
ધાબા પરથી મળી આવ્યા 3 ગેસ સિલિન્ડર
ફાયર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બિલ્ડિંગના ધાબા પર કુલ 3 ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. સદનસીબે તેમાંથી માત્ર 1 સિલિન્ડરમાં જ આગ લાગી હતી, જ્યારે બાકીના 2 સિલિન્ડર સુરક્ષિત રહ્યા હતા, જેના કારણે એક મોટો અને વિનાશક વિસ્ફોટ થતો અટક્યો હતો. જો કે, કોમર્શિયલ બિલ્ડિંગની છત પર આ પ્રકારે ગેસ સિલિન્ડર રાખવા પાછળનું અસલી કારણ શું હતું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો તે અંગે સવાલો ઊભા થયા છે.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પોલીસ તપાસ શરૂ
આ ભીષણ આગની દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના અહેવાલ નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાના ચોક્કસ કારણો અને બિલ્ડિંગમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.




