અમદાવાદમાં ગોકુળ-વૃંદાવન જેવો ભક્તિમય માહોલ: વલ્લભધામ હવેલીમાં ગોવર્ધન પર્વતની પૂજા અને ગૌ પૂજન સાથે ઉજવાયો મહોત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govardhan Puja 2026 Celebration Ahmedabad: સમગ્ર દેશભરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા દિવાળી બાદ છઠના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, જેની સાથે જ ગોવર્ધન પર્વતની પરિક્રમાનો પણ પ્રારંભ થાય છે. જતીપુરા સ્થિત ગિરિરાજજીના દર્શન માટે જે રીતે લાખો ભક્તો ઉમટે છે, તેવો જ અલૌકિક અને ભક્તિમય માહોલ અમદાવાદ શહેરમાં પણ જોવા મળ્યો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રાચીન 'વલ્લભધામ હવેલી' ખાતે ભવ્ય ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો જોડાયા હતા.
હવેલીમાં બનાવાયો ગોવર્ધન પર્વત, ગૌ પૂજનનું વિશેષ મહત્ત્વ
ઉત્સવ નિમિત્તે વલ્લભધામ હવેલી પરિસરમાં પ્રતીકાત્મક રીતે સુંદર ગોવર્ધન પર્વત તૈયાર કરવામાં આવ્યો હતો, જેની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગોવર્ધન પૂજા બાદ વિશેષ ગૌ પૂજન યોજાયું હતું, જેમાં ભક્તોએ ગૌમાતાની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.

ગાયના ચાર પગ નીચેથી નીકળવાની અનોખી પરંપરા
આ મહોત્સવમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરાના દર્શન પણ થયા હતા. ગૌ પૂજન બાદ શ્રદ્ધાળુઓએ ગાયના ચાર પગ નીચેથી પસાર થઈને આશીર્વાદ મેળવવાની પરંપરા નિભાવી હતી. વૈષ્ણવ સંપ્રદાયમાં આ પરંપરાનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના સાથે નિભાવવામાં આવે છે. સમગ્ર હવેલી પરિસર 'ગિરિરાજ ધરણ કી જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.





