Ahmedabad

વલસાડ-ડાંગના સાંસદના નામે નકલી લેટરપેડ અને ઈ-મેલથી છેતરપિંડી કરતો શખસ અમદાવાદથી ઝડપાયો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડ સાયબર ક્રાઈમે સાંસદના નકલી ઈ-મેલ આઈડી અને લેટરપેડ બનાવી SBI ચેરમેનને છેતરવાનો પ્રયાસ કરનાર ઠગને અમદાવાદથી ઝડપ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં 30 વર્ષીય પ્રતિક પ્રદુતકુમાર દે ને ઈશનપુરથી પકડી પાડ્યો. આરોપી પૂર્વ સાંસદ રૂપાલા અને પશ્ચિમ બંગાળના અધિકારીઓના પણ નકલી લેટરપેડ બનાવી રેલવે ક્વોટાનો ઉપયોગ કરતો હતો. પોલીસે ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ-ડાંગના સાંસદના નામે નકલી લેટરપેડ અને ઈ-મેલથી છેતરપિંડી કરતો શખસ અમદાવાદથી ઝડપાયો

Valsad News: વલસાડ-ડાંગના સાંસદના નકલી ઇ-મેલ આઈડી અને બનાવટી લેટરપેડ તૈયાર કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ના ચેરમેનને ગેરમાર્ગે દોરવાનો અને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર ઠગભગને વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના કલાકોમાં અમદાવાદથી ઝડપી પાડયો હતો. આરોપીએ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓના નકલી લેટરપેડ બનાવી રેલવે ક્વોટા તેમજ અન્ય સરકારી ભલામણો માટે ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું છે.

સાંસદના ફેક ઇ-મેલ આઈડી અને બનાવટી લેટરપેડથી હાઈફાઈ સુવિધા લેતો શખસ ઝડપાયો

પોલીસના જણાવ્યા મુજબ, વલસાડના સાંસદ ધવલ પટેલના પર્સનલ આસિસ્ટન્ટ રવીકુમાર સુરેશભાઈ પટેલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઈ અજાણ્યા શખસે સાંસદની ઓળખ, હોદ્દો, સત્તાવાર લેટરપેડ અને સહીનો દુરુપયોગ કરીને એક નકલી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તથા બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો હતો. આ બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન યલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને ભલામણ પત્ર મોકલવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ બેંકને ગેરમાર્ગે દોરી છેતરપિંડી કરવાનો હતો. પોલીસે આ મામલે વલસાડ સાયબર ક્રાઇમે ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર કેસ મામલે પોલીસની ટીમ તપાસમાં લાગી હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ થકી પોલીસે કડી મેળવી અમદાવાદના ઈશનપુરથી મૂળ પશ્ચિમ બંગાળના પ્રતિક પ્રદુતકુમાર દે (ઉં.વ.30)ને પકડી પાડયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી પ્રતિકે માત્ર વલસાડના સાંસદ જ નહીં, પરંતુ પૂર્વ સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ પશ્ચિમ બંગાળના ઉચ્ચ પોલીસ અધિકારીઓના પણ નકલી લેટરપેડ બનાવતો હતો. આ નકલી લેટરપેડ અને સહીઓનો ઉપયોગ કરીને તે રેલવેના સ્પેશિયલ ક્વોટામાંથી ટિકિટો કન્ફર્મ કરાવતો હતો. તેમજ એસબીઆઈના હેડક્વાર્ટર્સ ખાતે અલગ-અલગ ભલામણો મોકલી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા મહત્ત્વના ડિજિટલ સાધનો અને નકલી દસ્તાવેજો, એક લેપટોપ જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના, નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના મોત

આરોપી પાસેથી સાંસદના બનાવટી લેટરપેડ, સાંસદ પુરુષોત્તમ રૂપાલાના 7 જેટલા નકલી લેટરપેડ, પશ્ચિમ બંગાળના હુગલી રૂરલ પોલીસ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સંદીપ નંદીની સહીવાળા 6 લેટર અને રાજીવ ગોનની સહીવાળો 1 લેટર તથા અન્ય 8 લેટરો મળી આવ્યા છે.