અમદાવાદના ત્રિકમપુરા હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા, હજુ બે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આવેલા ત્રિકમપુરામાં મકાન ભાડાના નજીવા વિવાદમાં 25 વર્ષીય અજીતસિંહ ચૌહાણની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. 31મી ઓગસ્ટની રાતે બનેલી આ ઘટનામાં ચાર શખસોએ હુમલો કરતા યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ બે આરોપીઓ ફરાર છે.
જાણો શું છે મામલો
પોલીસના જણાવ્યાનુસાર, ગત 31મી ઓગસ્ટની રાતે ફરિયાદી હિંમતસિંહ નેગી, તેના ભાઈ અર્જુન અને મૃતક અજીતસિંહ ચૌહાણ અગાઉ ગિરવે મુકેલા મકાન અંગે ચાર માળિયા વિસ્તારમાં ગયા હતા. તે સમયે હાજર હિતેશ ઉર્ફે હરેશ, રવિ અને તેમના અન્ય બે ભાઈઓ સાથે મકાન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તકરાર વધતાં આરોપી હિતેશે લોખંડની પાઇપ વડે અજીતસિંહના માથામાં ઘા ઝીંક્યો હતો, જ્યારે તેના ભાઈઓએ ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અજીતસિંહનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
હત્યાના આ બનાવ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાંથી શહેર બહાર ભાગવાની ફિરાકમાં રહેલા મુખ્ય આરોપી હરેશ ઉર્ફે હિતેશ અને તેના ભાઈ રવિને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી હિતેશ અગાઉ પણ ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. તેણે વર્ષ 2015માં આ જ ચાર માળિયા વિસ્તારમાં મિતેશ નામના શખસને ધાબા પરથી નીચે ફેંકી દઈ તેમની હત્યા કરી હતી. તે કેસમાં અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાથી તે ડિસેમ્બર 2023માં જામીન પર મુક્ત થયો હતો અને ફરી આ વિસ્તારમાં રહેવા આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ચાર માળિયા સ્થિત ઘરની માલિકી અંગે બંને પક્ષો વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલતી અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. હાલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.




