ગુજરાતમાં પ્રેમલગ્ન નોંધણી વિવાદ ફરી સળગ્યો, સરકારે પાટીદારો-અન્ય સમાજને કોણીએ ગોળ ચોંટાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Love Marriage Registration: ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચાસ્પદ બનેલા ભાગેડુ લગ્ન પ્રથા અને પ્રેમલગ્નની નોંધણીના કાયદામાં સુધારો લાવવાના મુદ્દે સરકારની ઉદાસીનતા સામે પાટીદારો સહિત સામાજિક સંગઠનો રોષે ભરાયાં છે. ફેબ્રુઆરી 2026માં વિધાનસભા સત્ર દરમિયાન સરકારે વચન આપ્યું તે વાતને આજે છ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસું સત્રમાં પણ સરકાર આ મુદ્દે કોઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી નથી, પરિણામે આ વિવાદ વધુ વકર્યો છે.
વિધાનસભા ચોમાસુ સત્રમાં કોઈ કાર્યવાહી નહીં
પાટીદાર સમાજ સહિત અન્ય સામાજિક સંગઠનોની માગ છે કે, પરિવાર કે માતા-પિતાની મંજૂરી વિના ભાગીને થતા લગ્નના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. પ્રેમલગ્નની સત્તાવાર નોંધણી પ્રક્રિયામાં માતા-પિતા અથવા સ્થાનિક સાક્ષીઓની લેખિત સંમતિ ફરજિયાત કરવામાં આવે. ખોટી રીતે કે દબાણપૂર્વક યુવતીઓને ફોસલાવીને લગ્ન કરનારા તત્ત્વો સામે કડક પોલીસ ફરિયાદ દાખલ કરવાની સત્તા મળે.
સ્થાનિક સ્તરે ચકાસણીય લગ્નની નોંધણી માત્ર કાગળ પર ન થતાં, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેની યોગ્ય ખરાઈ કરવામાં આવે. આ મુદ્દે વિવાદ વકરતાં ડિસેમ્બર 2025માં ગાંધીનગર ખાતે પાટીદાર સહિત અન્ય સમાજના નેતા-આગેવાનો અને સરકારના ઉચ્ચ મંત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામાજિક સંગઠનો તરફથી મળેલા વિવિધ સૂચનો અને અભિપ્રાયો બાદ સરકારે મોટાભાગની માગણીઓનો સ્વીકાર કરી મૌખિક હૈયાધારણા આપી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2026ના સત્રમાં સરકારે કાયદાકીય સુધારાની દિશામાં આગળ વધવાનો વાયદો કર્યો હતો, પરંતુ સમય જતાં આ આખી વાત સરકારી ફાઈલોમાં દબાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
સરકારે પાટીદારો નહીં, અન્ય સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ
આ મુદ્દે પાટીદાર યુવા નેતા વરુણ પટેલે પ્રતિક્રિયા આપી કે, 'સરકારે માત્ર પાટીદાર સમાજને જ નહીં, પણ દીકરીઓની સુરક્ષા અને સામાજિક તાણાવાણાની ચિંતા કરતા ગુજરાતના તમામ સમાજો સાથે વિશ્વાસઘાત કર્યો છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વચનો આપવામાં આવે છે, પરંતુ કાયદો બનાવવાની વાત આવે ત્યારે સરકાર પીછેહઠ કરે છે. આગામી દિવસોમાં આ મુદ્દે ફરી સરકારના કાન આમળવા આંદોલનનું શસ્ત્ર ઉગામશે.'
હવે જોવાનું એ રહેશે કે સામાજિક સંગઠનોના આ આક્રોશ અને વિધાનસભા સત્ર દરમિયાન ઉઠનારા સંભવિત હોબાળા બાદ સરકાર આ સંવેદનશીલ મુદ્દે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.




