અમદાવાદ: લંડનથી પરત ફરેલા બેરોજગાર પતિનો પત્ની પર શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણીથી કંટાળી પરિણીતાનો આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Self-destruction Case: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલા શિવાનંદ બંગ્લોઝમાં રહેતી 26 વર્ષીય પરિણીતાએ પતિના શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળી 15 ઓક્ટોબરના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લંડનથી નોકરી છૂટી જતાં પરત ફરેલા પતિને સટ્ટા રમવાની લત લાગતાં તે આર્થિક તંગી અને શંકા રાખી પત્ની સાથે મારઝૂડ કરતો હતો. આ મામલે મૃતકના પિતા દિનેશભાઈ પવારે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં જમાઈ હાર્દિક બોડાણા સામે આત્મહત્યા માટે મજબૂર કરવા તથા દહેજ ઉત્પીડન અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લંડનથી પરત ફરેલા બેરોજગાર પતિનો પત્ની પર શારીરિક-માનસિક ત્રાસ
મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને કલરકામ કરતા દિનેશભાઈ ભવરલાલ પવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની 26 વર્ષીય દીકરી દિપિકાના લગ્ન 31 જાન્યુઆરી 2024ના રોજ જશોદાનગર ખાતે રહેતા હાર્દિક સંજય બોડાણા સાથે થયા હતા. લગ્ન બાદ દિપિકા અને હાર્દિક બંને કંપની તરફથી નોકરી માટે લંડન ગયા હતા. જો કે, 10 મહિના બાદ ત્યાં કંપની બંધ થઈ જતાં બંને અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ આવ્યા બાદ હાર્દિક કોઈ નોકરી-ધંધો કરતો નહોતો અને તેને સટ્ટો રમવાની ટેવ પડી ગઈ હતી. સટ્ટામાં મોટી રકમ હારી જતાં તે પૈસા બાબતે તેમજ નાની બાબતોમાં દિપિકા પર શંકા રાખી મારઝૂડ કરતો હતો.
દહેજની માંગણીથી કંટાળી પરિણીતાનો આપઘાત
ઘરખર્ચ ચલાવવા માટે દિપિકાએ વસ્ત્રાલ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં નોકરી શરૂ કરી હતી. જો કે, પતિ હાર્દિક તેણીનો પગાર પણ પડાવી લેતો હતો અને ‘તારા બાપાએ દહેજમાં કંઈ આપ્યું નથી’ કહી મેણાં-ટોણાં મારી પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો.
અગાઉ પણ તેણે દિપિકાને માર મારી ઘરની બહાર ઓસરીમાં સૂવા મજબૂર કરી હતી. આખરે અસહ્ય ત્રાસથી કંટાળી દિપિકાએ 15 ઓક્ટોબરે બપોરે પોતાના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.




