જીવીત પિતાને કાગળ પર મારી નાખ્યા, અમદાવાદના બોપલમાં જમીન પચાવી પાડવા પુત્રએ કર્યો ખેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા વૃદ્ધને જમીનના કેસમાં ફસાવવા એક શખસે પોતાના જીવિત પિતાનું ફેક ડેથ સર્ટિફિકેટ રજૂ કરી છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શેલા ગામની જમીન પચાવી પાડવાના હેતુથી આરોપી પુત્ર ખોડા રઘુનાથ દેસાઈએ પોતાના પિતા રઘુનાથ દેસાઈનું 15મી એપ્રિલ 1985ના રોજ મૃત્યુ થયાનું ફેક સર્ટિફિકેટ બનાવ્યું હતું. આનો ઉપયોગ કરીને સરકારી કચેરીઓ અને સબ રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી જમીન પડાવવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટે બી-સમરી વિથ પ્રોસીક્યુશન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જે બાદ આ અંગે નૈમિષ પટેલ નામના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સાણંદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવ્યા
આ જમીન કૌભાંડને કરવા માટે આરોપીએ 1991માં સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ અંગૂઠા અને સહીઓ વડે ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતા, જેમાં નકલી ખેડૂતો અને માલિકો ઊભા કરવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં દિનેશ રામ પટેલ, જીવ આલુ ખોખર, નરેન્દ્રસિંહ અજીતસિંહ વાઘેલા, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા અને નકલી ખેડૂત કાળુ દેસાઈ પણ સામેલ હતા. પોતાના આ ખેલને છુપાવવા અને નિર્દોષ લોકોને ફસાવવા માટે મુખ્ય આરોપીએ 72 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ નૈમિષ પટેલ તથા અન્ય કેટલાક લોકો સામે વર્ષ 2020માં બોપલ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાવી હતી.
નિર્દોષ વૃદ્ધને ફસાવવા નોંધાવી હતી ખોટી ફરિયાદ
પોલીસની તપાસ દરમિયાન આ ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, મૂળ ખેડૂત રઘુનાથનું 1985માં મૃત્યુ થયું જ ન હતું. હકીકત સામે આવતા પોલીસે સાણંદ કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેના પર સુનાવણી કરતા કોર્ટે બી-સમરી વિથ પ્રોસીક્યુશન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આ આદેશની પ્રમાણિત નકલ મેળવ્યા બાદ, ખોટા કેસમાં ભોગ બનનાર નૈમિષ પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી ખોડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.




