Ahmedabad

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ કરાયા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા ઍલર્ટ અપાયું છે. અમદાવાદમાં હળવો વરસાદ અને સૌરાષ્ટ્રમાં 25મી સુધી છૂટાછવાયા ઝાપટાંની શક્યતા છે. કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ કરાયા

Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ (23મીથી 29મી સપ્ટેમ્બર) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મજબૂત પવન અને વાવાઝોડાની આગાહીને પગલે તટીય અને દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રાજધાની અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થંડર શાવર સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ત્રણ દિવસ એટલે કે 25મી સપ્ટેમ્બર સુધી એકલ-દોકલ અને છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ, વરસાદમાં 8%ની ઘટ

કચ્છના ઉત્તર ભાગમાંથી ચોમાસું પાછું ખેંચાવાની (વિદાયની) શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની વિદાય રેખા હાલ નલિયા અને ડીસા પરથી પસાર થઈ રહી છે. મોસમના કુલ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં 636.9 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ (682.2 મિ.મી.) કરતાં 8 ટકા ઓછો છે.

દરિયાકાંઠે પવનની દિશા અને ગતી

ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સ (30થી 40 કિ.મી/કલાક)ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે.

હાલમાં 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં એક 'ડીપ ડિપ્રેશન' સર્જાયેલું છે, જેના લીધે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.