Ahmedabad

અમદાવાદના કોટ વિસ્તારના PIની ચેમ્બરમાં ઘૂસી ઉંદરે ભર્યું બચકું, ગુનેગારોને પકડતી પોલીસ મોડી રાત સુધી 'ઓપરેશન મૂષક'માં જોતરાઈ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કોટ વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે PI આરામ કરી રહ્યા હતા, ત્યારે એક ઉંદરે તેમના પગમાં બચકું ભર્યું. ગુસ્સે ભરાયેલા PIએ તાત્કાલિક સ્ટાફની બેઠક બોલાવી સફાઈ અંગે ઉધડો લીધો. તેમણે ઉંદરને પકડવા 'ઓપરેશન મૂષક' શરૂ કરાવ્યું. મોડી રાત સુધી શોધખોળ છતાં ઉંદર ન મળતાં, ડોક્ટર બોલાવી PIને ઇન્જેક્શન આપવું પડ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કોટ વિસ્તારના PIની ચેમ્બરમાં ઘૂસી ઉંદરે ભર્યું બચકું, ગુનેગારોને પકડતી પોલીસ મોડી રાત સુધી 'ઓપરેશન મૂષક'માં જોતરાઈ

Ahmedabad News: ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર અમદાવાદના કોટ વિસ્તારના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બપોરના સમયે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવીને થાકેલા પીઆઈ સાહેબ પોતાની ચેમ્બરમાં ખુરશી પર લંબાવીને થોડો આરામ કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે ક્યાંકથી પધારેલા એક ચતુર ઉંદરે કોઈપણ ડર વગર પીઆઈ સાહેબના પગમાં પોતાની 'ડેન્ટલ સ્કિલ' બતાવી દીધી. જે પગ આગળ મોટા મોટા ગુનેગારો થરથર કાંપતા હોય, એ જ પગમાં અચાનક બચકું પડતાં સાહેબ ચોંકી ઊઠ્યા અને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

કોટ વિસ્તારના PIની ચેમ્બરમાં ઘૂસી ઉંદરે ભર્યું બચકું

બચકું ખાધા બાદ સાહેબે તાત્કાલિક સમગ્ર સ્ટાફની ઇમરજન્સી બેઠક બોલાવી લીધી હતી અને "મારા પોલીસ સ્ટેશનમાં ઉંદરની આટલી હિંમત? તમે સફાઈ કેમ નથી રાખતા?" કહીને હાજર પોલીસકર્મીઓનો ઉધડો લીધો હતો. આટલેથી ન અટકતાં, પીઆઈ સાહેબે ગુનેગારોને પકડતી પોલીસ ટીમને તાત્કાલિક ઉંદર પકડવાના કામે જોતરી દીધી હતી.

ગુનેગારોને પકડતી પોલીસ મોડી રાત સુધી 'ઓપરેશન મૂષક'માં જોતરાઈ

ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં 'ઓપરેશન મૂષક' શરૂ થયું હતું. વર્ષો જૂની ફાઈલો, સ્ટેશન ડાયરીઓ અને મુદ્દામાલના ઢગલા પાછળ આખો સ્ટાફ મોડી રાત સુધી ટોર્ચ લઈને ઉંદરમામાની શોધખોળ કરતો રહ્યો હતો. પરંતુ આ ચતુર આરોપી ગુનો કરીને આરામથી 'અંડરગ્રાઉન્ડ' થઈ ગયો હતો અને મોડી રાત સુધી પોલીસના હાથમાં આવ્યો નહોતો.

બીજી તરફ, મોડી રાત સુધી ઉંદર ન મળતાં સાહેબને ઝેરી ઇન્ફેક્શન થઈ જવાની ચિંતા કોરી ખાતી હતી. આખરે વાતાવરણમાં ગંભીરતા વધતાં તાત્કાલિક ડૉક્ટરને સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે આવીને સાહેબને ઈન્જેક્શન આપ્યું ત્યારે જઈને પીઆઈ સાહેબ અને સમગ્ર સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

હવે ચર્ચા થઈ રહી છે કે જૂની ઈમારતો અને રદ્દી ફાઈલોના પહાડો વચ્ચે વસતા ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે પોલીસે હવે ગુનેગારો સામે નહીં, પણ ઉંદરો સામે તાત્કાલિક 'પેસ્ટ કંટ્રોલ એન્કાઉન્ટર' કરવું પડશે.