અમદાવાદ: કઠવાડામાં ડ્રેનેજ માટે 42.47 કરોડની યોજનાને મંજૂરી, પણ પાણીના નિકાલનો પ્રશ્ન યથાવત રહે તેવા એંધાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Kathwada Drainage Project: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઠવાડા અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક તથા ઔદ્યોગિક બાંધકામો વધી રહ્યાં છે. આ વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કઠવાડા અને ટેબલીપરા વિસ્તારમાં નવા ડ્રેનેજ નેટવર્ક માટે 42.47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ યોજના હેઠળ ગટરના પાણીના નિકાલ માટે ઓઢવ વેપારી મહામંડળ પાસેથી પસાર થતી મુખ્ય ગટરલાઇનનો ઉપયોગ કરવાનું આયોજન છે. અગાઉની કમિટીઓના ચર્ચાઓમાં આ લાઇન છલોછલ રહેતી હોવાનું અને વિંઝોલ તથા પીરાણાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પણ ક્ષમતા કરતાં વધુ ભાર હોવાની વાત સામે આવી હતી. આ સ્થિતિમાં નવી ડ્રેનેજ લાઇન કાર્યરત થયા બાદ ગટરના પાણીનો નિકાલ અસરકારક રીતે થઈ શકશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
કઠવાડામાં ડ્રેનેજ માટે 42.47 કરોડની યોજનાને મંજૂરી
કઠવાડા અને આસપાસના વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની હદમાં સમાવાયા બાદ ત્યાં વિકાસની ગતિ વધી છે. ટીપી સ્કીમ 111, 505, 414 અને 415 હેઠળ આવતા વિસ્તારોમાં રહેણાંક તેમજ ઔદ્યોગિક બાંધકામો થઈ રહ્યાં છે. ખાસ કરીને ટીપી સ્કીમ 414 અને 415માં રહેણાંક યોજનાઓ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ શેડનું બાંધકામ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
કઠવાડા ગામતળ અને નજીકના ટેબલીપરા વિસ્તારમાં બંગલા તથા એપાર્ટમેન્ટની યોજનાઓ વિકસી રહી છે. જો કે, આ વિસ્તારોમાં પૂરતું ડ્રેનેજ નેટવર્ક ન હોવાથી વર્ષો જૂની ખાળકૂવાની વ્યવસ્થા પર નિર્ભર રહેવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને ડેવલપર્સ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
પાણીના નિકાલનો પ્રશ્ન યથાવત
આ રજૂઆતોને પગલે પૂર્વ ઝોનના ઇજનેર વિભાગે કન્સલ્ટન્ટ મારફતે અંદાજિત 42.47 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જેને હવે મંજૂરી મળી છે. આ યોજના અમલમાં આવતાં કઠવાડા અને ટેબલીપરા વિસ્તારના રહેવાસીઓને ડ્રેનેજ કનેક્શનની સુવિધા મળી શકશે.
અગાઉ ઓઢવની મુખ્ય ગટરલાઇન છલોછલ રહેતી હોવાનું સામે આવ્યું હતું
પ્રોજેક્ટ મુજબ કઠવાડાના ગટરના પાણીને ઓઢવ વેપારી મહામંડળ પાસેથી પસાર થતી 1800 મિ.મી. વ્યાસની મુખ્ય ગટરલાઇનમાં જોડવાનું આયોજન છે. જો કે, અગાઉ કઠવાડાના વિકાસ અને ડ્રેનેજ વ્યવસ્થાના આયોજન અંગે ઇજનેર અધિકારીઓ તથા શાસક પક્ષના હોદ્દેદારો વચ્ચે થયેલી ચર્ચામાં આ લાઇન છલોછલ રહેતી હોવાનું જણાવાયું હતું.
તે સમયે નરોડા-નારોલની વર્ષો જૂની ગટરલાઇન સુધી કઠવાડાનું પાણી લઈ જવાની શક્યતા સામે પણ મુશ્કેલી દર્શાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઓઢવની મુખ્ય ગટરલાઇનમાં નવું જોડાણ આપવાથી ગટરનાં પાણીના નિકાલ પર વધારાનો ભાર પડશે કે નહીં, તે અંગે સવાલ ઊભો થયો છે.
નવી ડ્રેનેજ લાઇન નાખવાથી સ્થાનિક વિસ્તારોમાં ગટર કનેક્શનની સુવિધા ઊભી થઈ શકે છે, પરંતુ ગટરનાં પાણીના અંતિમ નિકાલ માટે પૂરતી ક્ષમતા ઉપલબ્ધ ન હોય તો સમગ્ર યોજનાની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે.
વિંઝોલ અને પીરાણા STP પર પણ ક્ષમતાનો ભાર
ગટરના પાણીના નિકાલ માટે મુખ્ય ગટરલાઇનની ક્ષમતા ઉપરાંત તેને જોડાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થિતિ પણ મહત્ત્વપૂર્ણ છે. અગાઉની ચર્ચામાં વિંઝોલ અને પીરાણાના STP તેમની ક્ષમતા કરતાં વધુ ભાર સાથે કાર્યરત હોવાની વાત સામે આવી હતી. આવા સંજોગોમાં કઠવાડાના ગટરના પાણીનો વધારાનો પ્રવાહ હાલની વ્યવસ્થામાં કેવી રીતે સમાવવામાં આવશે તે સ્પષ્ટ થવું જરૂરી છે. જો મુખ્ય લાઇન અને STPની ક્ષમતા પૂરતી ન હોય તો નવી ડ્રેનેજ વ્યવસ્થા કાર્યરત થયા પછી પણ ગટરના પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ શકે છે.
કણભા પાસે નવો STP બનાવવાની અગાઉ ચર્ચા થઈ હતી
કઠવાડા અને આસપાસના વિસ્તારોના ગટરના પાણીના નિકાલ માટે અગાઉ અલગ વિકલ્પ અંગે ચર્ચા થઈ હતી. પૂર્વ વોટર કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ઇજનેર અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વચ્ચેની ચર્ચામાં કઠવાડાનું ગટરનું પાણી સિંગરવા તરફ લઈ જવા અને કણભા આસપાસ જમીન મેળવી નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો વિકલ્પ વિચારવામાં આવ્યો હતો.
આ આયોજન હેઠળ ગટરનાં પાણીને ટ્રીટ કર્યા બાદ તેનું પાણી ખારી નદીમાં છોડવાની વાત હતી. બગરીયાના જણાવ્યા મુજબ, આ ચર્ચા બાદ જમીન મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.




