Ahmedabad

પત્રકારો પણ બાકાત નહીં! અમદાવાદમાં એમ.જે. લાઇબ્રેરી ખાતે દેખાવોનું કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસની કાર્યવાહી કેમ?

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં MJ લાઇબ્રેરી નજીક 10 ઑક્ટોબરે દેખાવો કવર કરતાં પત્રકારો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો. એક મહિલા રિપોર્ટરને પોલીસ બળજબરીપૂર્વક લઈ જવાનો પ્રયાસ કરતાં અન્ય પત્રકારોએ દરમિયાનગીરી કરી હતી. પોલીસે પ્રેસ કાર્ડ માંગ્યા હતા અને ન બતાવવા પર અટકાયતની ચેતવણી આપી હતી. દેશભરમાં પત્રકારો સામે પોલીસ કાર્યવાહીના કિસ્સાઓ વધી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્રકારો પણ બાકાત નહીં! અમદાવાદમાં એમ.જે. લાઇબ્રેરી ખાતે દેખાવોનું કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસની કાર્યવાહી કેમ?

MJ Library Protest Journalists Detained In Ahmedabad: દિલ્હીમાં CJPના દેખાવોને પગલે રાજધાની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે 2000થી વધુ દેખાવકારોની અટકાયત કરી છે, ત્યારે દિલ્હીના પડઘા ગુજરાતના અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ શહેરની એમ.જે. લાઇબ્રેરી નજીક આજે(10 ઑક્ટોબર) ચાલી રહેલા દેખાવ દરમિયાન પોલીસ અને મીડિયા વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઘટનાસ્થળે સ્ટોરી કવર કરવા ગયેલી એક મહિલા રિપોર્ટરને મહિલા પોલીસ કર્મચારીઓએ બળજબરીપૂર્વક અટકાવવાનો પ્રયાસ કરતાં મામલો ગરમાયો હતો.

પત્રકારો પણ બાકાત નહીં!

મળતી માહિતી મુજબ, મહિલા રિપોર્ટર ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ તેને પકડીને ડિટેન્શન વાન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અન્ય પત્રકારોએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી.

અમદાવાદમાં એમ.જે. લાઇબ્રેરી ખાતે દેખાવોનું કવરેજ કરી રહેલા પત્રકારો પર પોલીસની કાર્યવાહી

સાથી રિપોર્ટરોએ પોતાના કેમેરા અને માઇક્રોફોન સહિતના અધિકૃત બ્રોડકાસ્ટિંગ સાધનો બતાવીને તેઓ મીડિયા સાથે સંકળાયેલા હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ મહિલા રિપોર્ટરને પોલીસની પકડમાંથી છોડવામાં આવી હતી.

જો કે, પછી કેટલાક પોલીસ કર્મચારીઓએ રિપોર્ટરોને ઘેરી લીધા હતા અને તાત્કાલિક પ્રેસ કાર્ડ રજૂ કરવાની માગ કરી હતી. પ્રેસ કાર્ડ ન બતાવવામાં આવે તો અટકાયત કરવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. ઘટનાસ્થળે સર્જાયેલા તણાવ વચ્ચે રિપોર્ટિંગ ટીમે પરિસ્થિતિ સંભાળી હતી અને આખરે પોલીસની કસ્ટડીમાં લીધા વિના સ્થળ પરથી બહાર નીકળવામાં સફળ રહી હતી.

દેશભરમાં પોલીસ-મીડિયા વચ્ચે ઘર્ષણની વધતી ઘટનાઓ

અમદાવાદની આ ઘટના પોલીસ અને મીડિયા વચ્ચે વધતાં ઘર્ષણના વ્યાપક સંદર્ભમાં સામે આવી છે. દેશના વિવિધ મોટા શહેરોમાં વિરોધ-પ્રદર્શન તથા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન મેદાન પર રિપોર્ટિંગ કરતાં પત્રકારોને અટકાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.

નવી દિલ્હીમાં પણ મીડિયા કર્મચારીઓની અટકાયત!

નવી દિલ્હીમાં પણ ચૂંટણી પંચ વિરુદ્ધના યુવા પ્રદર્શનને કવર કરી રહેલા કેટલાક મીડિયા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તેમાં નવભારત ટાઇમ્સ ઉપરાંત સ્ક્રોલ.ઇન અને ન્યૂઝલોન્ડ્રી જેવા ડિજિટલ મીડિયા સંગઠનોના પત્રકારોનો પણ સમાવેશ થતો હોવાના અહેવાલ છે.

કેટલાક કિસ્સામાં પત્રકારોએ પોતાની પ્રેસ ઓળખ દર્શાવ્યા હોવા છતાં તેમને ડિટેન્શન બસમાં બેસાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. જેના પગલે ફરજ બજાવી રહેલા મીડિયા કર્મચારીઓ સામે પોલીસની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે.