અમદાવાદમાં ઈદે મિલાદ પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, ઝોન-5માં 100થી વધુ જવાનો જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Police: આગામી 26મી ઓગસ્ટે ઉજવાનારા ઈદે મિલાદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે અને અસામાજિક તત્ત્વોમાં ભયનો માહોલ ઊભો થાય તે આશયથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કવાયતનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે.
શાંતિ સમિતિ સાથે સમીક્ષા બેઠક
તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક મુસ્લિમ આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે એક ખાસ બેઠકનું પણ આયોજન કરાયું હતું. આ મિટિંગમાં જુલૂસના નિર્ધારિત માર્ગો અને સુરક્ષા વ્યવસ્થા અંગે ઝીણવટભરી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સામે પક્ષે, સ્થાનિક અગ્રણીઓએ પણ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
ઝોન-5ના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
આ વિશેષ ડ્રાઈવ ઝોન 5ના DCP જિતેન્દ્ર અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી. ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ જેવા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ACP સહિત 100થી વધુ પોલીસ જવાનોના કાફલાએ જુલૂસના રૂટ પર પગપાળા કૂચ કરી હતી. રાત્રિના સમયે યોજાયેલા આ કડક પેટ્રોલિંગ થકી પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી અને સામાન્ય નાગરિકોને નિર્ભય બનીને તહેવાર મનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.









