Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સને કારણે અમદાવાદની કરાશે કાયાપલટ, 3,636 કરોડ રૂપિયાના કામોની કવાયત

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને માળખાકીય સુવિધાઓ વિકસાવવાની કવાયત તેજ કરી છે. બુધવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પાણી, ડ્રેનેજ, રસ્તા, બ્રિજ, ટ્રાફિક અને રમતગમત સહિત 3,636 કરોડ રૂપિયાના કામોની દરખાસ્તો રજૂ કરાશે. મંજૂરી બાદ દરખાસ્તો રાજ્ય સરકારને મોકલવામાં આવશે. આમાં હોસ્પિટલ, શાળા અને મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોમનવેલ્થ ગેમ્સને કારણે અમદાવાદની કરાશે કાયાપલટ, 3,636 કરોડ રૂપિયાના કામોની કવાયત

Ahmedabad Infrastructure Project: અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓ વિકસાવવાની દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત તેજ કરી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ શહેરમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, બ્રિજ, ટ્રાફિક, રમતગમત સહિતની સુવિધાઓ વિકસાવવા માટે કુલ 3,636 કરોડ રૂપિયાના કામોની દરખાસ્તો બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. કમિટી અને ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી બાદ દરખાસ્તો રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

અમદાવાદની કાયાપલટ માટે 3,636 કરોડ રૂપિયાના કામોની કવાયત

આ દરખાસ્તોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રસ્તા અને ટ્રાફિક સુવિધાઓ વિકસાવવાથી લઈને તળાવોના ઇન્ટરલિંકિંગ, પાણી અને ડ્રેનેજની કામગીરી, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, પરિવહન સેવાઓ તેમજ હોસ્પિટલોમાં દવા અને મેડિકલ સાધનોની ખરીદી જેવા કામોનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ અને સ્કૂલ માટે પણ કરોડોની દરખાસ્ત

કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં મેડિકલ સાધનો અને દવાઓ સહિતની સુવિધાઓ માટે 161 કરોડ રૂપિયાથી વધુની દરખાસ્ત કરવામાં આવી છે. એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં ફર્નિચર સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવાની કામગીરીનો પણ તેમાં સમાવેશ થાય છે. બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ માટે આશરે 113 કરોડ રૂપિયાના કામો સૂચવાયા છે. જેમાં મકરબામાં નવી શાળા બનાવવાની દરખાસ્ત પણ સામેલ છે.

બ્રિજથી લઈને તળાવ અને સિવિક સુવિધાઓ સુધી

શહેરના બ્રિજ પ્રોજેક્ટ માટે 112 કરોડ રૂપિયાથી વધુના કામો સૂચવાયા છે. કેટલાક બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવા તેમજ બેરીંગ બદલવા સહિતની કામગીરી કરવામાં આવશે. ચંડોળા તળાવના વિકાસ ઉપરાંત ફિઝિયોથેરાપી સેન્ટર, કોમ્યુનિટી હોલના રિપેરિંગ, અમદાવાદ હાટ જેવા મીની શોપિંગ કોમ્પ્લેક્સ, નવા ચાર્જિંગ સ્ટેશન, પાર્ટી પ્લોટ, સ્મશાન, ફાયર સ્ટેશન, વેજિટેબલ માર્કેટ અને સિટી સિવિક સેન્ટર જેવા કામો પણ દરખાસ્તમાં સમાવાયા છે.

ગોતા અને રાણીપમાં મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અર્બન હાઉસ, લેબોરેટરી અને અર્બન હેલ્થ સેન્ટર સહિતની સુવિધાઓ વિકસાવવાની દરખાસ્ત છે. ટ્રાફિક સંબંધિત કામો માટે પણ 34 કરોડ રૂપિયા ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા એસટીપી, ડ્રેનેજની કામગીરી અને તળાવોના ઇન્ટરલિંકિંગ માટે પણ આયોજન કરાયું છે. જ્યારે પાણી સંબંધિત કામો માટે 752 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે.

સરકાર પાસે રૂ.315 કરોડ માંગ્યા, કોર્પોરેશને રૂ.472 કરોડના કામો મોકલ્યા

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ રાજ્ય સરકારે 315 કરોડ રૂપિયાના કામો માટે દરખાસ્તો મંગાવી હતી. જો કે, કોર્પોરેશન દ્વારા આ રકમ કરતાં વધુ એટલે કે 472 કરોડ રૂપિયાના કામોની યાદી તૈયાર કરીને મંજૂરી માટે મોકલવાની કવાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાત્રિના ઘોંઘાટથી અમદાવાદીઓ પરેશાન! શહેરીજનોની ઊંઘ હરામ થતાં રોજના 55 ઇમરજન્સી કોલ, દસ મહિનામાં 17,050 ફરિયાદો

472 કરોડ રૂપિયામાં 117 રસ્તાઓની કાયાપલટની યોજના

આ રકમમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં 117 રસ્તાઓના કામો હાથ ધરવાની દરખાસ્ત છે. લાંભા વોર્ડમાં વ્હાઇટ ટોપિંગ રોડ, ખાડિયા અને રિલીફ રોડના વિવિધ રસ્તાઓનું મિલિંગ કરીને પુનઃનિર્માણ, બોપલમાં એમ્પાયરથી સાંવી નિર્માણ સુધીનો રોડ, એલજે કોલેજથી ચીરિપાલ હાઉસ સુધીનો રોડ તથા વેજલપુરમાં કેમ્બે હોટલ અને ફિઝિયોથેરાપી સેન્ટર નજીકના રસ્તાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર રસ્તાના કામો, નારણપુરામાં વ્હાઇટ ટોપિંગ રોડ, શિવરંજનીથી ઇસ્કોન, સોબો સેન્ટરથી એસપી રિંગ રોડ, થલતેજ અને ચાંદખેડામાં વ્હાઇટ ટોપિંગ રોડ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની દરખાસ્ત કરવામાં આવી છે.