Ahmedabad

અમદાવાદમાં દંપતી સાથે જબરુ થયું, ફોન બંધ થયો અને અડધી કલાકે ચાલુ થતાં જ ખાતામાંથી 1 લાખની ચોરી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વસ્ત્રાલમાં 40 વર્ષીય ગૃહિણીના યુનિયન બેંક ખાતામાંથી સાયબર ગઠિયાએ ઓનલાઈન ₹1 લાખ સેરવી લીધા. ગત 30 ઓગસ્ટે મેટ્રોમાં મુસાફરી દરમિયાન પતિનો ફોન આપોઆપ બંધ થયો, બીજા દિવસે રિચાર્જ કરતી વખતે બેંક ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થઈ હોવાનું સામે આવતા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં દંપતી સાથે જબરુ થયું, ફોન બંધ થયો અને અડધી કલાકે ચાલુ થતાં જ ખાતામાંથી 1 લાખની ચોરી

Ahmedabad News : વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય ગૃહિણીના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા સાયબર ગઠિયાએ ઓનલાઇન રૂ. 1 લાખ સેરવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 30 ઓગસ્ટે દંપતી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે પતિનો મોબાઇલ આપોઆપ સ્વિચ ઓફ થઈ ગયો હતો. જે બાદ બીજા દિવસે મોબાઇલ રિચાર્જ કરતી વખતે બેંક ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થઈ ગઈ હોવાનું સામે આવતાં સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અચાનક મોબાઇલ બંધ થયો

વસ્ત્રાલ ખાતે નિરાંત ચાર રસ્તા પાસે આવેલ રાજધાની ટેનામેન્ટમાં રહેતા હિનાબેન પટેલે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવે છે. આ બેંક ખાતા સાથે તેમના પતિ ભાવેશભાઈનો મોબાઇલ નંબર લિંક છે અને તેઓ ફોન-પે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગત 30 ઓગસ્ટ 2026ના રોજ હિનાબેન અને તેમના પતિ મેટ્રોમાં થલતેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાવેશભાઈનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો અને આશરે અડધા કલાક બાદ આપોઆપ ચાલુ થઈ ગયો હતો.

બીજા સવારે ખબર પડી

બીજા દિવસે સવારે ભાવેશભાઈ પત્નીના મોબાઇલમાં ફોન-પે મારફતે રિચાર્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પેમેન્ટ થતું નહોતું. ત્યારબાદ તેઓ સીટીએમ ખાતે શકરીબેન એસ્ટેટમાં આવેલા પોતાના લેથ મશીનના કારખાને ગયા હતા. જ્યાં સહકર્મચારીએ ફોન-પે ચેક કરતાં જણાવ્યું હતું કે ખાતાની દૈનિક રૂ. 1 લાખની લિમિટ પૂર્ણ થઈ ગઈ છે. એપ્લિકેશનની હિસ્ટ્રી તપાસતાં ખાતામાંથી રૂ. 1લાખ કપાયા હોવાનું માલૂમ પડ્યું હતું.

બેંકમાં જઇને તપાસ કરતા રહસ્ય ખુલ્યું

દંપતીએ તાત્કાલિક યુનિયન બેંકની વસ્ત્રાલ શાખા ખાતે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાંથી આ રકમ પંજાબ નેશનલ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ છે. જેથી તેમણે તાત્કાલિક પોતાનું એકાઉન્ટ ડેબિટ ફ્રીઝ કરાવી સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રામોલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફોન હેક કે સિમ સ્વેપિંગની આશંકા?

મુસાફરી દરમિયાન અચાનક અડધો કલાક ફોન બંધ થઈ જવો અને ત્યારબાદ સીધા બેંકમાંથી ₹1 લાખ ઉપડી જવા પાછળ કોઈ રિમોટ એક્સેસ ટૂલ (RAT), માલવેર અથવા સિમ ક્લોનિંગની ટેકનિક વપરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. કોઈ પણ ઓટીપી કે લિંક ક્લિક કર્યા વગર ટ્રાન્ઝેક્શન કેવી રીતે પાર પડ્યું તે દિશામાં સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈ રહી છે.