શનિશ્ચરી અમાસે અમદાવાદના થલતેજમાં શનિદેવના મંદિરે 1008 લિટર તેલ અને કાળા તલના લાડુનો હવન કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shanishchari Amavasya : આગામી તા. 10મી ઓક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાસના દિવસે શનિશ્ચરી અમાવસ્યાનો શુભ સંયોગે સર્જાઈ રહ્યો છે. આ પવિત્ર અવસર પર શહેરના વિવિધ શનિમંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. પિતૃઓની શાંતિ અને શનિદેવની કૃપા મેળવવા માટે મંદિરોમાં તેલ અભિષેક, હોમ-હવન તેમજ મહાપ્રસાદનું વિશેષ આયોજન કરાયું છે.
થલતેજના વૈભવ લક્ષ્મી મંદિરે 1008 લિટર તેલનો અભિષેક
આ વિશેષ મહોત્સવ અંતર્ગત થલતેજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતે આવેલ શનિદેવના મંદિરમાં અનોખું અનુષ્ઠાન યોજાશે. અહીં શનિદેવને 1008 લિટર તેલનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. આ સાથે જ 1008 કાળા તલના લાડુથી હોમ-હવન અને વિશેષ યજ્ઞનું આયોજન કરાયું છે. શનિદેવને ગોળ અને કાળા તલ અતિપ્રિય હોવાથી, સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ પવિત્ર આહુતિઓ અપાશે.
દૂધેશ્વર અને અન્ય વિસ્તારોમાં ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનો
શહેરના દૂધેશ્વર ખાતે આવેલા ધોબી ઘાટના અતિ પ્રાચીન શનિદેવ મંદિરમાં પણ સૂર્યપુત્ર શનિદેવ સર્વપિતૃ અમાવસ્યા ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. આ વિશેષ યજ્ઞમાં શનિભક્તો દ્વારા શનિદેવને 23000 જેટલી આહુતિઓ અપાશે. બપોરે 12:00 વાગ્યે શનિદેવની ભવ્ય મહા આરતી યોજાશે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓને 251 કિલો બુંદી-સેવનો મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે.
શહેરના વિવિધ શનિમંદિરોમાં ભક્તોની ભીડ જામશે
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર, સોલા રોડ પર કાંકરિયા હનુમાનજી ખાતેના શનિમંદિર, થલતેજના સાલ હોસ્પિટલ સામેના શનિદેવ મંદિર અને વૈષ્ણો દેવી સર્કલ પરના મારૂતિ ધામ ખાતેના શનિમંદિરોમાં તા. 10મીના રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શનિશ્ચરી અમાવસ્યા નિમિત્તે નવગ્રહ શાંતિ પાઠ, શનિદેવ કથા અને હોમ-હવનનું આયોજન કરાયું છે. શનિદેવને કાળો રંગ અતિ પ્રિય હોવાથી કાળું કપડું, લોખંડ, કાળા તલ અને અડદ જેવી વસ્તુઓ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી પડશે.




