MBBS એડમિશન મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, રાજ્ય બહાર ધો. 10-12 ભણનારા વિદ્યાર્થીઓને સ્ટેટ ક્વોટા ના મળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court MBBS Quota Judgment: ગુજરાતમાં જન્મેલા અને NEETમાં ઉત્કૃષ્ટ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓ માટે પણ રાજ્યનો ડોમિસાઇલ ક્વોટા મેળવવો સરળ નથી, જો તેમનું શાળાકીય શિક્ષણ બહારના રાજ્યમાં થયું હોય. એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થીએ પિતાની બદલીના કારણે ધોરણ 10 અને 12 ગુજરાત બહાર પાસ કર્યું હોય, તો તેને MBBS એડમિશન માટે સ્ટેટ ક્વોટાનો લાભ મળી શકે નહીં.
શું હતો સમગ્ર મામલો?
ખાનગી બૅંકમાં ફરજ બજાવતા એસસી(SC) કેટેગરીના એક અધિકારીના પુત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. જોકે, પિતાની બદલી મહારાષ્ટ્રના પૂણે ખાતે થતાં તેણે ધોરણ 10 અને 12નું ભણતર ત્યાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે નીટ(NEET) પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા, જે એસસી અનામત કેટેગરીના કટ-ઑફ કરતાં પણ વધુ હતા. વિદ્યાર્થીએ ગુજરાતના સ્ટેટ ક્વોટા હેઠળ MBBSમાં પ્રવેશ માટે અરજી કરી હતી. પરંતુ રાજ્યના પ્રવેશ નિયમો મુજબ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તંત્રના આ નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. સિંગલ જજે અરજી ફગાવી દેતાં આ નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારવામાં આવ્યો હતો.
હાઇકોર્ટની મહત્ત્વની ટિપ્પણી અને નિર્ણય
ડિવિઝન બેંચ સમક્ષ અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, "વિદ્યાર્થીનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેની પાસે ડોમિસાઇલ છે. તદુપરાંત, તેણે હાઇએસ્ટ સ્કોર મેળવ્યો છે. પિતાની બદલી નોકરીના ભાગરૂપે થઈ હોવાથી તેને સ્થાનિક ક્વોટાથી વંચિત રાખવો અન્યાયી છે."
સામે પક્ષે રાજ્ય સરકારે નીતિગત નિયમોનો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું કે, માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ડેપ્યુટેશન પર બહાર ગયા હોય, અથવા ONGC કે નેવી જેવા અમુક ચોક્કસ સરકારી સંસ્થાઓના કર્મચારીઓના બાળકોને જ આવી છૂટછાટ મળે છે. અન્ય બેંક કે સંસ્થાઓના બદલીપાત્ર કર્મચારીઓ માટે આ સવલત નથી.
બંને પક્ષોને સાંભળ્યા બાદ ડિવિઝન બેંચે પણ સિંગલ જજના ચુકાદાને બહાલી આપતાં ઠેરવ્યું કે, ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કરનારને વર્તમાન નીતિ મુજબ સ્થાનિક વિદ્યાર્થી ગણી શકાય નહીં. આવા વિદ્યાર્થીઓએ માત્ર ઓલ ઇન્ડિયા ક્વોટા (All India Quota) હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.




