અમદાવાદમાં ટ્રાફિક નિવારવા રસ્તાઓ પર કેપ્સ્યૂલ ફોર્મ્યૂલાનો અમલ વધ્યો, ઈસનપુરમાં ચાર રસ્તાનો પણ કટ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Traffic Management : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાતા અસહ્ય ટ્રાફિકના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા 'સિગ્નલ ફ્રી જંક્શન મોડલ' અર્થાત્ કેપ્સ્યુલ ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવી છે. આ નવી પદ્ધતિ અંતર્ગત ચાર રસ્તા પરનો ટ્રાફિક રોક્યા વગર સતત ચાલતો રહે છે. જેના કારણે વાહનચાલકોનો કિંમતી સમય બચી રહ્યો છે. શહેરમાં અગાઉ પાંચ સ્થળોએ હંગામી ધોરણે રસ્તા બંધ કર્યા બાદ હવે સંતોષકારક પરિણામો મળતા કાયમી ધોરણે પાકા ડિવાઇડર બનાવવામાં આવી રહ્યા છે.
ઈસનપુર ચાર રસ્તા પર કટ બંધ થવાથી રાહત
આ યોજનાના ભાગરૂપે આજથી ઈસનપુર ચાર રસ્તા પરનો કટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇંજિનિયર એચ.ટી. મહેતાના જણાવ્યા અનુસાર, અગાઉ ઈસનપુર ચાર રસ્તા પર સિગ્નલ કાર્યરત હતા ત્યારે વાહનચાલકોએ 15 થી 15 મિનિટ સુધી ટ્રાફિક જામમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ કેપ્સ્યુલ ફોર્મ્યુલાના અમલ બાદ હવે આ જ રસ્તો માત્ર 2 મિનિટમાં જ પસાર થઈ રહ્યો છે, જેનાથી નાગરિકોને ભારે રાહત જોવા મળી છે.
શહેરમાં અન્ય કયા સ્થળો પર થઈ ચૂકી છે અમલવારી?
મ્યુનિ. દ્વારા અત્યાર સુધીમાં શહેરના કુલ 6 મહત્ત્વપૂર્ણ સ્થળો પર આ આયોજન સફળતાપૂર્વક અમલી બનાવી દેવામાં આવ્યું છે.
- પેલેડિયમ મોલ સામે કટ બંધ કરાયો છે.
- કારગિલ પેટ્રોલ પંપ સામે પાકા ડિવાઇડર બનાવી દેવામાં આવ્યા છે.
- હાટકેશ્વર જંક્શન પર પાકા ડિવાઇડર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
- હિરાવાડી અને સૈજપુર વિસ્તારમાં પણ આ નિયમ લાગુ કરાયો છે.
- ગરીબનગર અને બાપુનગર વિસ્તારના ચોક પણ આ વ્યવસ્થામાં આવરી લેવાયા છે.
સોલા ઓવર બ્રિજ નીચે આગામી દિવસોમાં કામગીરી
હંગામી ધોરણે કરાયેલા પ્રયોગો સફળ નીવડ્યા બાદ મ્યુનિ. તંત્ર દ્વારા હવે સોલા ઓવર બ્રિજ નીચે પણ આગામી દિવસોમાં આ જ કેપ્સ્યુલ ફોર્મ્યુલા અને સિગ્નલ ફ્રી મોડલ અમલમાં મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેથી પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક ભારણને પણ ઘટાડી શકાય..




