Ahmedabad

'પૈસા નહીં આપે તો કામ નહીં કરવા દઈએ', અમદાવાદ AMC કચેરીમાં એજન્ટ પિતા-પુત્રનો હુમલો

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દાણાપીઠ AMC મુખ્ય કચેરીમાં એજન્ટ સલીમ લંઘા પર પિતા-પુત્ર યાસીન અને અનીક શેખે હુમલો કર્યો. AMC કચેરીમાં કામ કરવા માટે હપ્તા પેટે પૈસાની માંગણી કરી, પૈસા ન આપતા લોખંડના કડા વડે માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી. કારંજ પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'પૈસા નહીં આપે તો કામ નહીં કરવા દઈએ', અમદાવાદ AMC કચેરીમાં એજન્ટ પિતા-પુત્રનો હુમલો

Ahmedabad News: અમદાવાદના દાણાપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા શખસ પર અન્ય બે એજન્ટ પિતા-પુત્રએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. AMC કચેરીમાં કામકાજ કરવા માટે હપ્તા પેટે પૈસાની માંગણી કરી પિતા-પુત્રએ યુવકને માથાના ભાગે લોખંડનું કડું મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બળજબરીથી નાણાં પડાવવા બોલાચાલી

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર 45 વર્ષીય સલીમ લંઘા છેલ્લા પાંચ વર્ષથી દાણાપીઠ AMC કચેરી ખાતે એજન્ટ તરીકે કામ કરે છે. ગઈકાલે તે AMC કચેરીના ગેટ નંબર-2 પાસે આવેલી કેન્ટીન નજીક પોતાના ભાઈ સાથે બેઠા હતા. આ દરમિયાન ત્યાં જ એજન્ટ તરીકે કામ કરતા યાસીન ઉર્ફે દાઢી હાસમ શેખ (રહે. ઇન્દિરાનગર, ઇસનપુર) અને તેમનો પુત્ર અનીક શેખ ત્યાં આવ્યા હતા.

આ પિતા-પુત્રએ સલીમને ધમકાવતા જણાવ્યું હતું કે, 'અહીંયા AMC ઓફિસ ખાતે એજન્ટ તરીકે કામ કરવું હોય તો અમારો ખર્ચો આપવો પડશે, નહીંતર કામ કરવા નહીં દઈએ.' સલીમે પૈસા આપવાની ના પાડતાં જ બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી મારપીટ કરવા લાગ્યા હતા. આ દરમિયાન અનીક શેખે હાથમાંથી લોખંડનું કડું કાઢીને સલીમના માથામાં મારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

કારંજ પોલીસે તપાસ હાથ ધરી

બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સલીમભાઈને વધુ મારથી બચાવ્યા હતા. જતી વખતે બંને આરોપીઓએ ફરીથી કચેરીમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત સલીમભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે કારંજ પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.