Ahmedabad

'હું ઔડાનો ડિરેક્ટર છું... કહીને ઠગે પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોના 19.60 લાખ પડાવ્યા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નકલી સરકારી અધિકારી બની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રાજેશસિંહ રાઠોડે ઔડાના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, જયશ્રીબેન શર્મા અને અન્યને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી કુલ 19.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. ચેક રિટર્ન થતાં અને રાજેશસિંહનો ભાંડો ફૂટતાં, ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું ઔડાનો ડિરેક્ટર છું... કહીને ઠગે પ્રધાનમંત્રી આવાસના નામે ગરીબોના 19.60 લાખ પડાવ્યા

Ahmedabad Crime News : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલી સરકારી કર્મચારીઓ બનીને લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટના સામે આવતી રહે છે. એવામાં વધુ એક ઘટના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. જેમાં રાજેશસિંહ રાઠોડ નામના શખ્સે પોતાની ખોટી ઓળખ ઔડાના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે આપીને જયશ્રીબેન શર્મા અને તેમના ગ્રુપને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી કુલ રૂપિયા 19.60 લાખની છેતરપિંડી કરી હતી. રૂપિયા લીધા બાદ મકાન ન મળતાં લોકોએ ઉઘરાણી કરી હતી. જે બાદ આરોપીએ આપેલા ચેક પણ બેંકમાંથી રિટર્ન થયા હતા. અંતે આરોપી ઔડામાં કોઈ જ હોદ્દો ધરાવતો ન હોવાનો ભાંડો ફૂટતાં ભોગ બનનારાઓએ તેની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

નવેમ્બર 2025માં ફરિયાદી જયશ્રીબેન શર્મા અને તેમના ગ્રુપના અન્ય સભ્યોને રાજેશસિંહ ઉર્ફે રાજભા બાબુસિંહ રાઠોડ નામના વ્યક્તિએ પોતે ઔડાના બોર્ડ ઓફ ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઔડામાં તાત્કાલિક મકાન અપાવવાની લાલચ આપી હતી. તેણે કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ ભરીને ચોક્કસ મકાન લગાડી આપું છું હું ઔડાનો બોર્ડ ઓફ ડિરેક્ટર છું,જો તમારે ઔડામાં મકાન જોઈતુ હોય તો કહેજો. હું તમને ઔડામાં તાત્કાલિક મકાન લગાડી આપીશ. ઔડાનું મકાન લેવા માટે પહેલા રૂપિયા આપવા પડશે પછી લોન કરાવી દઈશ.

આ પછી મકાન માટે એડવાન્સ રકમ માંગી હતી. જયશ્રીબેને નવેમ્બર 2025ના રોજ ઓનલાઇન અને રોકડા એમ કૂલ 1,60,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેમના ગ્રુપના અન્ય સભ્યો અંકિતભાઈ, વિશાલભાઈ, મનીષાબા, વિક્રમભાઈ, પ્રફુલ્લાબેન, આશિષનાબેન અને યોગેશભાઈએ પણ રોકડ અને બેંક ટ્રાન્સફર દ્વારા રૂપિયા આપ્યા હતા. આમ, આરોપીએ મકાન અપાવવાના બહાને આ તમામ લોકો પાસેથી કુલ રૂપિયા 19,60,000ની રૂપિયા પડાવી લીધા હતા.

રૂપિયા લીધા બાદ મકાન ના મળતા અને આરોપી દ્વારા સતત ગોળ-ગોળ જવાબો આપતો હતો. ફરિયાદી અને તેમના ગ્રુપે પોતાના રૂપિયા પાછા માંગ્યા હતા. જેના જવાબમાં આરોપીએ જુલાઈ 2026ના રોજ નોટરી સમક્ષ સમજૂતી કરાર કરી એક મહિનામાં રૂપિયા પાછા આપવાની બાંહેધરી આપી હતી અને બેંકના ચેક આપ્યા હતા.

જોકે, સમય મર્યાદા પૂરી થયા બાદ આ ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા. આ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે રાજેશ રાઠોડ ઔડામાં કોઈ ડિરેક્ટર નથી કે ત્યાં કોઈ નોકરી પણ કરતો નથી. આ રીતે પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમણે ફરિયાદ નોંધાવી હતી.