Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગે રૂ.6 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો પકડાવ્યો, ટ્રૉલી બેગમાં ચોરખાનું બનાવી મહિલા કરતી હતી હેરાફેરી

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU ટીમે વિયેતનામથી આવેલી મ્યાનમારની મહિલા મુસાફર પાસેથી રૂ.6 કરોડનો 6.07 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. સ્નિફર ડોગની મદદથી મહિલાની ટ્રોલી બેગમાં છુપાવેલો ગાંજો શોધી કઢાયો હતો. કસ્ટમ્સ પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી અંગે પૂછપરછ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગે રૂ.6 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો પકડાવ્યો, ટ્રૉલી બેગમાં ચોરખાનું બનાવી મહિલા કરતી હતી હેરાફેરી

Ahmedabad Customs AIU 6 Crore Marijuana Seized: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પરથી કિંમતી હાઈડ્રોપોનિક ગાંજો ઘૂસાડવાનો વધુ એક આંતરરાષ્ટ્રીય કારસો કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU) ટીમે નિષ્ફળ બનાવ્યો છે. જેમાં વિયેતનામથી આવેલી મ્યાનમારની એક મહિલા મુસાફરની ટ્રૉલી બેગમાંથી રૂ.6 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતો 6.07 કિલોગ્રામથી વધુનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે કસ્ટમ્સ પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્નિફર ડોગે ગાંજાનો ભેદ ઉકેલ્યો

કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 31 ઓગસ્ટના રોજ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી 'વિયેટજેટ એર'ની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઈટમાં આવેલી મ્યાનમાર મૂળની એક મહિલા મુસાફર પર શંકા જતાં કસ્ટમ્સની AIU ટીમે પેસેન્જર પ્રોફાઈલિંગ અને એક્સ-રે સ્કેનિંગના આધારે તેને અટકાવી હતી. આ દરમિયાન, કસ્ટમ્સના સ્નિફર ડોગે મહિલાની ટ્રૉલી બેગ પાસે જઈને કૂદાકૂદ કરતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકા ઊભી થતાં અધિકારીઓએ મહિલાની સઘન તપાસ હાથ ધરી હતી.

ટ્રૉલી બેગમાં ચોરખાનું અને ફોલ્સ લેયર બનાવ્યું હતું

કસ્ટમ્સ અધિકારીઓએ જ્યારે મહિલાની ટ્રૉલી બેગની સઘન તપાસ કરી ત્યારે બેગની નીચેના ભાગે ખાસ બનાવવામાં આવેલું એક ચોરખાનું અને ફોલ્સ લેયર મળી આવ્યું હતું. આ ચોરખાનું ખોલતાં તેમાંથી વેક્યુમ પેક કરેલા 5 પારદર્શક પ્લાસ્ટિકના પેકેટો મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો. પ્રાથમિક ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરતાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હાઈડ્રોપોનિક ગાંજો હોવાનું પુરવાર થયું હતું.

સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ, 1985ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને રૂ.6 કરોડની કિંમતનો 6.07 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે અને મહિલા મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: રાત્રિના ઘોંઘાટથી અમદાવાદીઓ પરેશાન! શહેરીજનોની ઊંઘ હરામ થતાં રોજના 55 ઇમરજન્સી કોલ, દસ મહિનામાં 17,050 ફરિયાદો

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આ ગાંજાનો જથ્થો ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો અને આ કન્સાઈનમેન્ટનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગે કસ્ટમ્સ અને નાર્કોટિક્સ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા માત્ર કેરિયર તરીકે કામ કરતી હતી કે પછી તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની સક્રિય સભ્ય છે તે દિશામાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.