Ahmedabad

'કોર્ટમાં આગ લાગે તો ફાયર ફાઇટર કેવી રીતે પહોંચશે?', ગુજરાત હાઇકોર્ટે પરિસરમાં મોકડ્રીલ યોજવા કહ્યું

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરમાં ફાયર સેફ્ટીના કડક અમલીકરણ અંગેની સુનાવણી દરમિયાન મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. હાઇકોર્ટે સરકારને ટકોર કરતાં જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે હાઇકોર્ટ પરિસરમાં પણ ફાયર મોકડ્રીલ યોજવી જોઈએ. જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી કે, જો કોઈ દુર્ઘટના બને તો ફાયર ફાઇટર કોર્ટ રૂમ સુધી કેવી રીતે પહોંચે અને સ્ટાફ-નાગરિકો સલામત બહાર કેવી રીતે નીકળી શકે, તે વિચારવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોર્ટમાં આગ લાગે તો ફાયર ફાઇટર કેવી રીતે પહોંચશે?', ગુજરાત હાઇકોર્ટે પરિસરમાં મોકડ્રીલ યોજવા કહ્યું

Gujarat High Court Fire Safety Mock Drill Order: રાજ્યભરમાં ફાયર સેફ્ટીના યોગ્ય અમલીકરણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી(PIL)ની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે 'સુરક્ષાની તૈયારીઓ ચકાસવા માટે હાઇકોર્ટ સંકુલમાં પણ ફાયર મોકડ્રીલ યોજવી જોઇએ.' આ મામલે સરકારે કોર્ટને બાહેંધરી આપી છે કે ટૂંક સમયમાં હાઇકોર્ટમાં મોકડ્રીલ યોજવામાં આવશે.

કોર્ટ રૂમ સુધી ફાયર ફાઇટર પહોંચવા અંગે ચિંતા

સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ટાકોર કરતાં જણાવ્યું હતું કે, 'હાઇકોર્ટના પરિસરમાં કમનસીબે જો કોઇ દુર્ઘટના બને તો ફાયર ફાઇટર કોર્ટ રૂમ સુધી કેવી રીતે પહોંચી શકે અને સ્ટાફ કેવી રીતે સલામત બહાર નીકળી શકે તે અંગે ગંભીર વિચારણા થવી જોઇએ. હાઇકોર્ટમાં મોકડ્રીલ યોજાવાથી સ્ટાફ અને વકીલોને પણ આપાતકાલીન સ્થિતિમાં બચાવની તાલીમ મળશે.'

જોકે, સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રમૂજી સુરમાં ટકોર કરી હતી કે, 'મોકડ્રીલ રજાના દિવસે ના યોજતા! કારણ કે કોર્ટરૂમની બહાર જવાના રસ્તા ઘણાં સાંકડા છે અને ઘણી વખત દરવાજા પણ સરળતાથી નથી ખુલતા.'

'ફાયર વિભાગના કર્મચારીઓ સૈનિકો જેવા, તેમની કદર કરો'

હાઇકોર્ટે ફાયર વિભાગની કામગીરી અને ઘટતી જતી ભરતીઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'આગ સાથે કામ કરતા કર્મચારીઓ આપણા સૈનિકો જેવા છે, તેમની કદર થવી જોઇએ. ફાયર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ નિષ્ણાંતોની તાત્કાલિક ભરતી કરવાની જરૂર છે. અલગ-અલગ પ્રકારની બચાવ કામગીરી માટે નિષ્ણાંતોની નિયુક્તિ કરી તેમના હાથ નીચે અન્ય ફોર્સ મૂકવી જોઈએ.'

અરજદારની દલીલો

અરજદાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે, શહેરોમાં ચાલતા પ્લે ગ્રૂપ અને બાળમંદિરોમાં ક્યાંય ફાયર સેફ્ટી જોવા મળતી નથી, જ્યારે બીજી તરફ કોર્પોરેશન કે સરકાર દ્વારા ફાયર વિભાગમાં નવી ભરતીઓ કરવામાં આવતી નથી. આગની ઘટનાઓ સમયે ઘરોમાં ફસાયેલા પાળેલા શ્વાન કે બિલાડી જેવા પ્રાણીઓને ઉગારવા માટે પણ અલગ રેસ્ક્યૂ ટીમ હોવી જોઇએ. બચાવ કામગીરી માટે ખાસ અભ્યાસક્રમો શરૂ કરીને કર્મચારીઓને આધુનિક સાધનો અને કડક તાલીમ આપવી જોઈએ.

ઉલ્લેખનીય છેકે, આ સમગ્ર મામલે હાઇકોર્ટે સરકાર પાસે યોગ્ય પગલાંની અપેક્ષા રાખતાં કેસની વધુ સુનાવણી એક મહિના બાદ મુકરર કરી છે.