Ahmedabad

ડિજિટલ એરેસ્ટના કેસમાં હાઇકોર્ટ આકરા પાણીએ, કહ્યું- 'પોલીસ ફિલોસોફી ઠોકવાને બદલે સિનિયર સિટીઝનના પૈસા રિકવર કરવા પર ધ્યાન આપે'

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટે 'ડિજિટલ એરેસ્ટ'ના વધતા જતાં કેસો અને સિનિયર સિટીઝનો સાથે થતી કરોડોની ઠગાઈ મામલે પોલીસની ઢીલી તપાસ સામે આકરા પ્રહારો કર્યા છે. હાઇકોર્ટે પૂછ્યું કે, સાયબર પોલીસને કેટલી સમજણ પડે છે અને કેટલા પીડિતોને નાણાં પાછા મળ્યા? ₹60 લાખ ગુમાવનાર પીડિતને રકમ પરત ન મળતાં કોર્ટે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા. તપાસ અધિકારીને નાણાકીય વ્યવહારોનો સંપૂર્ણ ચાર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ એરેસ્ટના કેસમાં હાઇકોર્ટ આકરા પાણીએ, કહ્યું- 'પોલીસ ફિલોસોફી ઠોકવાને બદલે સિનિયર સિટીઝનના પૈસા રિકવર કરવા પર ધ્યાન આપે'

Gujarat HC Questions Police Action in Digital Arrest Case: સાયબર ક્રાઇમના વધતા જતાં કિસ્સાઓ અને ખાસ કરીને 'ડિજિટલ એરેસ્ટ'ના નામે સિનિયર સિટીઝનો સાથે થતી કરોડોની ઠગાઈ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસની ઢીલી તપાસ સામે આકરા પ્રહારો કર્યા છે. હાઇકોર્ટે આકરી ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'પોલીસ હંમેશા એવી ફિલોસોફી ઠોક્યા કરે છે કે સિનિયર સિટીઝનને સમજણ પડતી નથી એટલે તેઓ ડિજિટલ એરેસ્ટનો ભોગ બને છે, પરંતુ સવાલ એ છે કે સાયબર પોલીસને કેટલી સમજણ પડે છે? અત્યાર સુધીમાં કેટલા પીડિતોને તેમના નાણાં પાછા અપાવી શકાયા છે?'

₹60 લાખ ગુમાવનાર ફરિયાદીને રકમ પરત ન મળતાં કોર્ટ નારાજ

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગંભીર નોંધ લેતાં કહ્યું કે, 'એક પીડિતના 60 લાખ રૂપિયા ઠગાઈમાં જતા રહ્યા છે, છતાં પોલીસ યોગ્ય તપાસ કેમ કરતી નથી? કેસમાં પકડાયેલા જે આરોપીનું બૅન્ક એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યું હતું, તેની પાસેથી 10 લાખ રૂપિયા મળ્યા છે અને તે ફરિયાદીને પૈસા પાછા આપવા માટે પણ તૈયાર છે, છતાં પોલીસ ફરિયાદીને તેની રકમ પરત કેમ અપાવતી નથી?'

મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ

મુખ્ય આરોપી મોહમ્મદ દાનિશ અન્ય સહ-આરોપીઓના મ્યુલ(ભાડાના) એકાઉન્ટમાં ડિજિટલ એરેસ્ટના નાણાં ટ્રાન્સફર કરતો હતો. આવી ચોક્કસ વિગતો હોવા છતાં પોલીસ હજુ સુધી તેના સુધી પહોંચી શકી નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, 'મ્યુલ એકાઉન્ટ ધારકો માત્ર કમિશન મેળવનારા નાના આરોપીઓ છે, પરંતુ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે શોધવું જરૂરી છે.'

નાણાકીય વ્યવહારોનો સંપૂર્ણ ચાર્ટ રજૂ કરવા આદેશ

હાઇકોર્ટે તપાસનીશ અધિકારીને આદેશ આપ્યો છે કે ડિજિટલ એરેસ્ટના નાણાં કોના બૅન્ક ખાતામાંથી ક્યાં ટ્રાન્સફર થયા અને કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તેનો સંપૂર્ણ ચાર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સાથે જ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પક્ષકાર બનાવવાની સૂચના આપી છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે 'સિનિયર સિટીઝનને સમજણ નથી પડતી' તેવું બહાનું કાઢીને તપાસ માળિયે ચડાવી શકાય નહીં.

હાલ આ મામલે હાઇકોર્ટે તપાસનીશ અધિકારીને આગામી તારીખે રૂબરૂ હાજર રહેવાનો હુકમ કરીને વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બર પર મુકરર કરી છે.