Ahmedabad

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી: નવમા નોરતે ખેલૈયાઓની ચિંતા વધી, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
નવરાત્રિના અંતિમ દિવસોમાં 18-19 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 17 ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ભારે પવન સાથે તોફાની વરસાદનો વીડિયો વાઈરલ થયો છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત 7 જિલ્લામાં, જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર સહિત 4 જિલ્લામાં માવઠાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી: નવમા નોરતે ખેલૈયાઓની ચિંતા વધી, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ

Gujarat Rain Forecast: નવરાત્રિના અંતિમ દિવસો એટલે કે 18-19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરતાં ખેલૈયાઓની ચિંતા વધી છે. આજે(18 ઓક્ટોબર) રાજ્યના 7 જિલ્લામાં અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર સહિતના 4 જિલ્લામાં માવઠુ પડવાની શક્યતા છે. ગત 17 ઓક્ટોબરની સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે તોફાની કમોસમી વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

image.png

આજે 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે.

નવમા નોરતે વરસાદની આગાહી

આવતીકાલે સોમવારે(19 ઓક્ટોબર) એટલે કે નવમા નોરતે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

image.png

ભાણવડમાં ભારે પવન સાથે તોફાની વરસાદના વીડિયો થયા વાઈરલ

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ધમધોકાર તોફાની વરસાદ ત્રાટક્યો હતો. જેમાં ભાણવડના ગુંદા, સાજડિયારી, સણખલા, કાટકોલા અને અડવાણા સહિતના ગામોમાં જોરદાર પવન સાથે અડધો કલાક મુશળધાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા વરસાદથી આસો મહિનામાં આષાઢ જેવો માહોલ સર્જાયો હતો. ગઈકાલના વરસાદનો વીડિયો વાઈરલ થયો છે.

આશરે દોઢ ઈંચ સુધી વરસેલા આ વરસાદથી ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા. અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે ખેતરોમાં ઉભા મગફળી સહિતના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તોફાની વરસાદથી થોડો સમય દોડધામનો માહોલ સર્જાયો હતો.