Ahmedabad

ગુજરાતના 224 તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં હરખ, અમદાવાદ-ધોળકામાં જળબંબાકારથી અનેક જગ્યાએ પાણી ભરાયા

By GS Team
18 Sep 20266 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે 224 તાલુકાઓમાં મેઘમહેર થઈ, જેમાં ગીર ગઢડા અને મેઘરજમાં 3-3 ઇંચ, જ્યારે અમદાવાદમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો. અમદાવાદ શહેર અને ધોળકાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો અને લોકોને સ્થળાંતર કરવું પડ્યું. અમરેલી અને છોટા ઉદેપુરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડૂતોના ઊભા પાકને નવજીવન મળતાં હરખ છવાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 224 તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં હરખ, અમદાવાદ-ધોળકામાં જળબંબાકારથી અનેક જગ્યાએ પાણી ભરાયા

Gujarat Rainfall Updates: ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે 224 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે, જેમાં ગીર ગઢડા અને મેઘરજમાં સૌથી વધુ 3-3 ઇંચ તથા અમદાવાદમાં 2.87 ઇંચ વરસાદ નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા અમદાવાદ શહેર સહિત ધોળકાના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. ધોળકા-સરખેજ હાઈવે અને ચલોડા-બદરખા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તંત્રની નિષ્ક્રિયતા અને ગટરના પાણી ઉભરાવાના કારણે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો. બીજી તરફ, અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અને છોટા ઉદેપુરમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તથા ખેડૂતોના ઊભા પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં હરખ છવાયો છે.

ગુજરાતના 224 તાલુકામાં મેઘમહેર, અમદાવાદ સિટીમાં 2.87 ઇંચ

ગુજરાતમાં 18 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 62 તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના ગીર ગઢડા અને અરવલ્લીના મેઘરજમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ સિટીમાં 2.87 ઇંચ, સાબરકાંઠાના તાલોદમાં 2.52 ઇંચ, નર્મદાના દેડિયાપાડામાં 2.40 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 2.36 ઇંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઇંચ, ગાંધીનગરના માણસામાં 2.13 ઇંચ, મહેસાણાના ખેરાલુમાં 2.01 ઇંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં જળબંબાકાર, અનેક વિસ્તારો પાણી-પાણી

અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. જમાલપુર, કાકરીયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમરોડ, જોધપુર, વસ્ત્રાપુરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો. સ્કૂલે જતા બાળકો અને નોકરિયાતો ફસાયા, ઠેર ઠેર પાણી ભરાયા.

અમદાવાદના અંડરપાસમાં પાણી ભરાયા

ધોળકામાં મેઘરાજાની તોફાની બેટિંગ

અમદાવાદના ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી અને 18 સપ્ટેમ્બરની સવારે થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. કલીકુંડથી મુખ્ય બજાર તરફ જતો રસ્તો તથા નગરપાલિકા કચેરી રોડ જેવા અત્યંત ધમધમતા માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ​પરિણામે, સવારના સમયે નોકરી-ધંધે નીકળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વરસાદની રેલમછેલ, સૌથી વધુ સરખેજમાં ખાબક્યો, રસ્તા બેટમાં ફેરવાયા, સોસાયટીમાં પાણી ભરાયા

નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર ચોમાસે સર્જાતી આ સમસ્યા છતાં નગરપાલિકા કેમ કોઈ નક્કર કામગીરી હાથ ધરતી નથી, તેવા તીખા સવાલો રહીશોએ ઉઠાવ્યા છે. ​આ ઉપરાંત, ઐતિહાસિક પાંડવકાલીન પરપોટા મહાદેવ વિસ્તાર તેમજ ગાયત્રી મંદિર તરફ જતા માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. શહેરની સાનિધ્ય સોસાયટી, વંદે માતરમ સોસાયટી, શિવમ સોસાયટી અને શેત્રુંજય સોસાયટીના પાછળના ભાગો સહિતના અનેક રહેણાંક વિસ્તારો પાણી ભરાતા લોકોના રોજિંદા જીવન પર માઠી અસર પડી છે. વોર્ડ નંબર 2 માં જે ધોળકા નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે ગુંદરા રોડ તે વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા રોડ ઉપર પાણી ફરી મળતા દૂષિત પાણીના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો.

GujaratSamachar-2026-09-18T230912.546-ezgif.com-optimize.gif

ધોળકાના બદરખા અને ચલોડા ગામમાં પાણી ભરાયા

ધોળકાના ગ્રામ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં ધોળકા સરખેજ હાઇવે પર આવેલા બદરખા અને ચલોડા ગામમાં વરસાદી પાણી ભરાતા અનેક વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. પાણી ભરાવાના કારણે વારંવાર સ્થળાંતર કરવાથી અને પાણીના કારણે ઘરમાં રહેવાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

GujaratSamachar-2026-09-18T230822.553-ezgif.com-optimize.gif

ધોળકા-સરખેજ હાઈવે પર ચલોડા અને બદરખા ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી. હાઈવે પર ઘૂટણસમા પાણી ભરાઈ જવાથી હજારો વાહનચાલકો અટવાયા હતા, જ્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ અને સંઘોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ​બદરખા ગામમાં માંડ એક મહિના પહેલા ભરાયેલા પાણી ઓસર્યા હતા, ત્યાં ફરી વરસાદ પડતા ગામના મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, માંડણ પુરા વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક, રામાપીર વાળો વિસ્તાર, બળીયાદેવ વાળો વિસ્તાર તેમજ રબારીવાસ બદરખાથી ચાચરાવાડી ગામ જવાના રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે.

GujaratSamachar-2026-09-18T230658.527-ezgif.com-optimize.gif

પ્રવેશદ્વાર પર પાણી ભરાતા ગામ બહાર જવુ-આવવું મુશ્કેલ

​પ્રવેશદ્વાર પર જ પાણી ભરાઈ જતાં ગામમાંથી બહાર નીકળવું કે અંદર આવવું મુશ્કેલ બન્યું છે. ​સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે, જિલ્લા કલેક્ટર કે DDO કક્ષાએથી માત્ર આશ્વાસનો જ મળે છે, નક્કર કામગીરી શૂન્ય છે. ​પાણીમાંથી પસાર થવાના કારણે અનેક વાહનો બંધ પડી જાય છે. વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, 'તંત્રની બેદરકારીથી વાહનોમાં થતા નુકસાનનું વળતર કોણ આપશે?' ​એક મહિનામાં બીજી વાર જળબંબાકાર થતાં સ્થાનિકોનું કહેવું કે, બદરખા ગામમાં પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે અને હવે આ સ્થિતિમાં મોટા પરિવર્તનની જરૂર છે.

અમરેલીના અનેક વિસ્તારોમાં મેઘમહેર

અમરેલીના ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં 18 સપ્ટેમ્બરે હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેવભૂમિ દેવળીયા, નાના ગોખર, વાળા સોનારીયા સહિતના ગામમાં વરસાદ થયો. ખાંભા ગીરના ડેડાણ, રાણીંગપરા, ત્રાકુડા, ભૂંડણી, નીંગળા સહિતના ગામામાં વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો. જેમાં જાફરાબાદમાં ઘનઘોર વાદળો વચ્ચે વડેરા, કડીયાળી, મીતીયાળા, ટીંબી, હેમાળ, ભાડા રોહિસા, સહિત ગામોમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ધારી, બગસરા, રાજુલા, સાવરકુંડલા સહિતના તાલુકામાં વરસાદ

ધારી શહેર બાદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. જેમાં ધારીના ગોવિંદપુર, કાંકસા, સુખપુર સહિતના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે બફારા બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક હતી. બગસરા પંથકના મોટા મુંજયાસર, ઝાંઝરીયા, કાગદડી, સાપર, સુડાવડ સહિતના ગામોમાં મેઘમહેર. રાજુલા કોસ્ટલબેટ વિસ્તાર અને રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં સ્થાનિકોમાં હરખ છવાયો હતો. રાજુલાના વિકટર માંડળ ડુંગર સહિત ગામોમાં ધીમીધારે વહેલી સવારથી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકાના શેલાણા, ભમોદરા, ઠવી, વંડા, સેંજળ, મેવાસા, ગોરડકા, થોરડી, કેરાળા, જૂના સાવર સહિત ગામામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો માંથી વરસાદી પાણી વહેતા થયા હતા.

આ પણ વાંચો: આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી સ્થિતિ, 3 ઈંચ વરસાદમાં અમદાવાદની ખસ્તા હાલત, ઉકેલ લાવવા 10 મહિનાનું અલ્ટિમેટમ

છોટા ઉદેપુરના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો

બે દિવસના વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું. છોટા ઉદેપુર જિલ્લામાં આજે(18 સપ્ટેમ્બર) નસવાડી, બોડેલી, સંખેડા, પાવી જેતપુર અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લો મોટા પ્રમાણમાં વરસાદ આધારિત ખેતી ધરાવતો વિસ્તાર હોવાથી ખેડૂતો માટે વરસાદ અત્યંત જરૂરી છે. બે દિવસ પહેલા વરસાદ પડ્યા બાદ વિરામ આવ્યો હતો, જેના કારણે ખાસ કરીને ઢાળવાળી અને વરસાદ આધારિત જમીનમાં ઉભા પાક માટે પાણીની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. આ દરમિયાન ફરી વરસાદ વરસતા કપાસ સહિતના ઉભા પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલના તબક્કે પાક માટે વરસાદ ખૂબ જ જરૂરી હોવાથી આ વરસાદ ખેતી માટે રાહતરૂપ બન્યો છે.

નસવાડીમાં વરસાદી પાણી ભરાયા

બીજી તરફ, નસવાડીમાં વરસાદ પડતાં HDFC બેંક પાસે વરસાદી પાણી ભરાઈ ગયું હતું. નસવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદ પડતાની સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ, પરંતુ નસવાડીમાં પાણીના નિકાલની વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે.

જુઓ ક્યા કેટલો વરસાદ?

image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png
image.png