આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી સ્થિતિ, 3 ઈંચ વરસાદમાં અમદાવાદની ખસ્તા હાલત, ઉકેલ લાવવા 10 મહિનાનું અલ્ટિમેટમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Waterlogging: અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનાના ટૂંકા ગાળામાં અને સપ્ટેમ્બર મહિનામાં જ સતત બે વખત જળબંબાકારની સ્થિતિ સર્જાતા મ્યુનિસિપલ ભાજપના હોદ્દેદારો સામે નાગરિકોના રોષનો સામનો કરવાનો મોટો પડકાર ઊભો થયો છે. શુક્રવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 2.88 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા.
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ
વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ થયો ન હતો. મનપાને મળેલી પાણી ભરાવાની 41 ફરિયાદોમાંથી 28 નો નિકાલ કરાયો હતો, જ્યારે 13 સ્થળોએ પાણી ભરાયેલું હોવાનું ચોપડે નોંધાયું હતું. મેયરે અધિકારીઓ સામે કડક નારાજગી વ્યક્ત કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આગામી ચોમાસા પહેલાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ અંગે મેયરે જણાવ્યું હતું કે, તેઓ સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂબરૂ ફરી રહ્યા હતા અને લોકોને પડતી મુશ્કેલીઓનો તેમણે જાતે અનુભવ કર્યો હતો. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇજનેર વિભાગના અધિકારીઓને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવા કડક સૂચના આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં સવાલો વચ્ચે અધિકારીઓનો ખુલાસો
શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વરસાદી પાણી ભરાવાનો મુદ્દો મુખ્ય ચર્ચામાં રહ્યો હતો. શહેરમાં પડેલા આશરે 3 ઈંચ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે અધિકારીઓને જવાબદાર ઠેરવી કડક સવાલો પૂછવામાં આવશે તેવી આશા હતી. જો કે, અધિકારીઓ પાસેથી વરસાદી પાણીના નિકાલમાં થયેલા વિલંબ અંગે ખુલાસો માંગવામાં આવતા ઇજનેર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારના સમયે ભારે વરસાદ પડ્યો ત્યારે ડ્રેનેજ લાઇનોમાં અગાઉથી જ પાણી ભરેલું હોવાથી વરસાદી પાણીનો નિકાલ ધીમો પડ્યો હતો. આ ઉપરાંત સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં થયેલા વિલંબને કારણે પણ પાણીના નિકાલ પર પ્રતિકૂળ અસર પડી હતી.
હવે 10 મહિના છે, આગામી ચોમાસા પહેલાં સ્થિતિ સુધારો: સ્ટેન્ડિંગ કમિટી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બેઠક બાદ જણાવ્યું હતું કે, વરસાદી પાણીના મુદ્દે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી ચોમાસામાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે હવે પૂરતો સમય છે. તેથી આગામી 10 મહિનામાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરી લેવા જણાવાયું છે. પીરાણા એસટીપી (STP) તેમજ અન્ય કેટલાક પમ્પિંગ સ્ટેશન બંધ હોવાની ફરિયાદો મળી હતી. તેમાંથી અધિકારીઓએ માત્ર તેજેન્દ્ર પાર્ક પમ્પિંગ સ્ટેશન બંધ હોવાની બાબત સ્વીકારી હતી.
10 કલાક બાદ પણ પાણી ભરાયેલા રહ્યા, 41 માંથી 13 ફરિયાદોનો નિકાલ બાકી
શુક્રવારના વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની કુલ 41 ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી. તેમાંથી 28 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 13 સ્થળોએ હજુ પણ પાણી ભરાયેલા હોવાનું નોંધાયું હતું. વરસાદ દરમિયાન શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની 78 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 77 ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો હતો અને 1 ફરિયાદનું કામ બાકી રહ્યું હતું.
147 વોટર લોગિંગ સ્પોટ પર CCTV કેમેરા મૂકવાની સૂચના
શહેરમાં પાણી ભરાતા સંવેદનશીલ સ્થળોની મોનિટરિંગ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીએ 147 વોટર લોગિંગ સ્પોટ પર સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાની સૂચના આપી છે. કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન કેટલાક સ્થળોનું યોગ્ય મોનિટરિંગ થઈ શકતું ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પાણી ભરાવાની સ્થિતિમાં સંબંધિત સ્થળે મ્યુનિસિપલ કર્મચારીઓ કે મજૂરો હાજર છે કે નહીં તેની ચોક્કસ નજર રાખી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
128ની જગ્યાએ નદીનું લેવલ 136 કરાતા પાણી ભરાઈ રહ્યું
સાબરમતી નદીનું સામાન્ય લેવલ ચોમાસાની સિઝનમાં 128 થી 130 ફૂટ રાખવામાં આવે છે, પરંતુ આ વખતે લેવલ 136 ફૂટ સુધી પહોંચી ગયું હતું. જેથી પાણી ઘટાડવા માટે બેરેજના દરવાજા ખોલવા પડ્યા હતા. અગાઉથી લેવલ 128 ફૂટ રાખવાના બદલે પાણીનું સ્તર ખૂબ વધારે હોવાને કારણે શહેરમાંથી પાણીનો ઝડપી નિકાલ થઈ શક્યો ન હતો. આગ લાગ્યા બાદ કૂવો ખોદવા જેવી સ્થિતિ ઉભી થતાં સિંચાઈ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સંકલન સાધ્યું હતું.




