Ahmedabad

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: 16 વર્ષથી નાસતા-ફરતા મિસ્ત્રી દંપતીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંકના 38.75 કરોડના કૌભાંડમાં 16 વર્ષથી નાસતા-ફરતા ભુપેન્દ્ર અને નીતાબહેન મિસ્ત્રીની કાયમી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. CID ક્રાઈમે દંપતીની ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે, "આર્થિક ગુનાઓને હળવાશથી ન લઈ શકાય."

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: 16 વર્ષથી નાસતા-ફરતા મિસ્ત્રી દંપતીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

Bank Scam: ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બૅંકમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા ભુપેન્દ્ર મિસ્ત્રી અને તેની પત્ની નીતાબહેન મિસ્ત્રીએ કરેલી કાયમી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. બૅંક સાથે 38.75 કરોડ રૂપિયાની ઠગાઇ કરનાર દંપતિની સીઆઇઢી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી જેલમાં ધકેલ્યા હતાં. આરોપી મિસ્ત્રી દંપતિની જામીન અરજી ફગાવતા કોર્ટે અવલોકન કર્યુ હતું કે, 'આરોપીઓ વર્ષ 2010ના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ભાગતા ફરતા હતાં. દંપતિએ એકબીજાના મેળાપીપણામાં બૅંકને 38.75 કરોડ રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડયું હોવાનો ગંભીર આક્ષેપ છે.'

અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આચરણોને હળવાશથી ન લઈ શકાય: કોર્ટ

કોર્ટે અવલોકન કર્યુ હતું કે, 'બૅંકો સાથે આ પ્રકારની ઠગાઇ આખરે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં. ગુનાની ગંભીરતા અને આરોપીઓની લાંબા સમયની નાસતા-ફરતાની સ્થિતિને ધ્યાનમાં રાખી જામીન પર મુકત કરવા ન્યાયી જણાતું નથી.'

સિક્યોરિટી કે અરજી વિના કરોડો રૂપિયા ઉપાડી લીધા હતા

વર્ષ 2010માં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ (ગાંધીનગર)માં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટીવ બૅંકમાં કરોડો રૂપિયાના કૌભાંડ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં વ્રજ ટ્રેડર્સના પ્રોપરાઇટર 63 વર્ષીય નીતાબહેન મિસ્ત્રી અને જય અંબે ટ્રેડર્સના પ્રોપરાઇટર 66 વર્ષીય ભુપેન્દ્ર મિસ્ત્રીએ બૅંકના તત્કાલિન અધિકારીઓ સાથે સાંઠગાંઠ કોઇપણ પ્રકારની સિક્યોરીટી કે અરજી આપ્યા વગર કરોડો રૂપિયા ઉપાડી લીધા હતાં. થર્ડ પાર્ટી ચેકો ડિસ્કાઉન્ટ કરાવીને નાણાં મેળવી લીધા હતાં. અને ચેકો ક્લિયરીંગમાં મોકલવામાં આવ્યા નહોતાં. તેમજ ગેરકાયદે રીતે લોન મેળવીને બૅંકને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું.

આરોપી દંપતિએ કરેલી જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી સામે સીઆરપીસીની કલમ-70 મુજબનું વોરંટ અને કલમ-82 મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ છેલ્લા 16 વર્ષથી ભાગતા ફરતા હતાં. આરોપીઓએ ભેગા મળીને બૅંકને 38.75 કરોડ રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. આથી આરોપી દંપતિની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.