ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે, સુનિતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chief Justice Sunita Agarwal: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ત્રણ અલગ-અલગ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલને દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપારેશ કુમાર સિંહની પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદોન્નતિ કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિમણૂકો અંગેની માહિતી સત્તાવાર રીતે શેર કરી હતી.
ગુજરાત હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે
28 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલી સુપ્રીમ કોર્ટ કોલેજિયમની બેઠકમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જસ્ટિસ તરીકે પદોન્નત (એલિવેટ) કરવાની ભલામણ કરવામાં આવી હતી. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક છે, જો કે આગામી સમયમાં સુપ્રીમની કોલેજિયમ ભલામણ મુજબ ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસની જાહેરાત થશે.
ન્યાયાધીશોની સંખ્યા વધી જશે
ત્રણેય ન્યાયાધીશોના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 37 થઈ જશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં CJI (મુખ્ય ન્યાયમૂર્તિ) સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી સંખ્યા તાજેતરમાં જ 34થી વધારીને 38 કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારાયા બાદ નિમણૂકોનો આ બીજો તબક્કો છે. ત્રણેય નવા ન્યાયાધીશોના શપથ લીધા પછી સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે અને કુલ સંખ્યા 37 થઈ જશે. કોલેજિયમની ભલામણ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે ત્રણેય ન્યાયાધીશોના શપથ ગ્રહણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ તરીકે બનાવી ઓળખ
મૂળ અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સુનિતા અગ્રવાલે જુલાઈ 2023 માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ચીફ જસ્ટિસ પદ સંભાળનારા બીજા મહિલા જજ બન્યા હતા. 1989 માં અવધ યુનિવર્સિટીમાંથી લો (Law) ની ડિગ્રી મેળવ્યા બાદ, તેમણે 1990માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ તથા બંધારણીય ક્ષેત્રે દીર્ઘ સમય સુધી વ્યાપક પ્રેક્ટિસ કરી હતી.
એક દાયકાથી વધુની તેજસ્વી ન્યાયિક કારકિર્દી
જસ્ટિસ અગ્રવાલની નવેમ્બર 2011 માં અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નતિ થઈ હતી અને ઓગસ્ટ 2013 માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. એક દાયકાથી વધુ સમયની તેમની તેજસ્વી ન્યાયિક કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદાઓ પર અનેક સીમાચિહ્નરૂપ અને મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.




