Ahmedabad

આશ્રમશાળાઓના શિક્ષકોની નિયુક્તિ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'લોકોના પૈસે જલસા નથી કરવા દેવાના'

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઇકોર્ટે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની અછત મુદ્દે સુનાવણી કરી. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે આશ્રમશાળાના શિક્ષકોની અન્ય ગ્રાન્ટ ઇન સ્કૂલોમાં બદલી ન થવી જોઈએ. GSLSAની તપાસમાં કેટલીક NGO પૂરતા શિક્ષકો વિના આશ્રમશાળાઓ ચલાવતી હોવાનું સામે આવ્યું. હાઇકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી અને સરકારને નવી નીતિ ઘડવા 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આશ્રમશાળાઓના શિક્ષકોની નિયુક્તિ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'લોકોના પૈસે જલસા નથી કરવા દેવાના'

Ashram School Teacher Transfers: રાજ્યની આશ્રમશાળાઓની કથળી ગયેલી સ્થિતિ અને શિક્ષકોની ભારે અછત મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'આશ્રમશાળાઓ માટે નીતિ ઘડતી વખતે એ નિયમ સ્પષ્ટ રાખવો કે અહીં નિયુક્ત થયેલા શિક્ષકોની અન્ય ગ્રાન્ટ ઇન શાળા(બિન-સરકારી)ઓમાં બદલી કરી શકાશે નહીં. સરકાર પબ્લિકના પૈસે શિક્ષકોને પગાર ચૂકવતી હોય તો તેના પર કોઈને જલસા નથી કરવા દેવાના.'

NGO દ્વારા શિક્ષકો વગર આશ્રમશાળાઓ ચલાવાતી હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઑથોરિટી(GSLSA) દ્વારા આશ્રમશાળાઓની સ્થળ તપાસ કરાવવામાં આવતાં અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, કેટલીક બિનસરકારી સંસ્થાઓ(NGO) દ્વારા પૂરતા શિક્ષકો વિના જ આશ્રમશાળાઓ ચલાવવામાં આવી રહી છે. હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે, 'આવી રામભરોસે ચાલતી આશ્રમશાળાઓમાં બાળકોને શું ભણાવતા હશે?'

અંતરિયાળ વિસ્તારમાં ભણાવવાની ના નહીં પાડી શકાય

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે આશ્રમશાળાઓમાં ભરતી થતાં શિક્ષકો એવું બહાનું કાઢી શકે નહીં કે તેઓ અંતરિયાળ કે આદિવાસી વિસ્તારોમાં ભણાવવા નહીં જાય. હવેથી આશ્રમશાળાઓ પણ સરકારી અને ખાનગી ફંડથી ચાલશે, જેથી ત્યાં કડક નિયમો લાગુ કરવા જરૂરી છે.

સરકારે નવી નીતિ ઘડવા 4 અઠવાડિયાનો સમય માગ્યો

કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે આશ્રમશાળાના શિક્ષકોની ભરતી અને બદલી અંગે નિયમો ઘડવામાં કેટલો સમય લાગશે? આ મામલે સરકારી વકીલે નિયમો તૈયાર કરવા માટે 4 અઠવાડિયાનો સમય માગ્યો હતો. હાઇકોર્ટે સરકારની વિનંતી ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી એક મહિના પછી મુલતવી રાખી છે.