'જે અધિકારીઓએ અતિ ઉત્સાહ દાખવ્યો છે તેઓ તૈયાર રહે': સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ, AGની ગેરહાજરીની પણ નોંધ લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court On Surat Nasirnagar Demolition Case: સુરતના નાસીરનગરના મેગા ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન વતી એડવોકેટ જનરલે આ કેસમાં હાજર થવાનું માંડી વાળ્યુ હતું. પીડિતોએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, 'અમને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે તે જર્જરીત અવસ્થામાં છે.' જસ્ટિસ નિખિલ કરેઇલે પોલીસ વિભાગને સવાલ કર્યો હતો કે, 'તમે આ કેસમાં આગળ શું કાર્યવાહી કરી છે?' કોર્ટે કોર્પોરેશનને પણ સવાલ કર્યો હતો કે, 'તમે પીડિતો માટે શું કામગીરી કરી?' કોર્પોરેશને આપેલા જવાબ સામે હાઇકોર્ટે એવો જવાબ આપ્યો હતો કે, 'તમે રજૂ કરેલા જવાબથી અમે સંતુષ્ટ નથી. એડવોકેટ જનરલ ભલે કોર્ટમાં રજૂઆત ના કરે પણ તેમણે સરકારના મુખ્ય પ્રતિનિધિ તરીકે હાજર રહેવું જોઇએ.'
નાસીરનગર ડિમોલિશન કેસ: હાઇકોર્ટે SMCનો ઉધડો લીધો
કોર્ટે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને યોગ્ય કામગીરી કરવા ટકોર કરી હતી કે, 'ગેરરીતિ થઈ છે તે સાબિત થશે તો તેના માટે જવાબદારી પણ નક્કી થશે અને જે વ્યકિત બેજવાબદાર ઠરશે તેમની સામે તમામ પગલા લેવાશે. કોર્પોરેશનના અધિકારીઓએ જેણે આ દબાણો હટાવવાની ડીઝાઇન તૈયાર કરી છે. જે અધિકારીઓએ અતિ ઉત્સાહ દાખવ્યો છે તેઓ તૈયાર રહે. માત્ર સરકારે બનાવેલી તપાસ કમિટિ જ નહીં તમારે પણ કોર્ટને સાચી માહિતી આપવી પડશે.'
કોર્ટે કોર્પોરેશન અને પોલિસ વિભાગને યોગ્ય દીશામાં કામગીરી થાય તેના પર ધ્યાન રાખવાની સૂચના આપી હતી. કોર્ટે સ્ટેટ મોનિટરીંગ ટીમના રિપોર્ટ આવવાનો બાકી હોવાથી કેસની વધુ સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે.
નાસીરનગર મામલે એડવોકેટ જનરલે કોર્ટમાં હાજર થવાનું બંધ કર્યુ
નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એડવોકેટ જનરલ આ સુનાવણી દરમિયાન કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. તેમના સ્થાને અન્ય એડવોકેટ હાજર થતાં કોર્ટે એવી ટકોર કરી હતી કે, સરકારના ઉચ્ચ પ્રતિનિધિ કરતા હોવાથી તેમણે કોર્ટમાં હાજર થવું જોઇએ.




