'લોકો ચાલુ વાહને મૂવી જોતાં અને વીડિયો કોલ કરતાં ડ્રાઇવિંગ કરે છે, જોખમી ટ્રેન્ડ બંધ કરાવો': હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat HC Slams Govt For Helmet Rules: અમદાવાદમાં ટ્રાફિક અને માર્ગ સુરક્ષાની કથળતી સ્થિતિ અંગે હાઈકોર્ટમાં યોજાયેલી સુઓમોટોની સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચે ગુજરાત સરકાર અને પોલીસ તંત્રનો ઉધડો લીધો હતો. ખાસ કરીને પાંજરાપોળ ચાર રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ અને સતત વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને કોર્ટે સરકાર પાસે કડક શબ્દોમાં ખુલાસો માગ્યો હતો.
હેલ્મેટ અને ડમ્પરના અકસ્માતો અંગે હાઈકોર્ટની આકરી ટિપ્પણી
આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘દેશમાં કદાચ આપણે જ એકમાત્ર છીએ, જ્યાં અનેક લોકો હેલ્મેટ વિના વાહનો ચલાવે છે. બીજા રાજ્યોમાં વાહન ચાલક અને પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ ફરજિયાત છે, તો ગુજરાતમાં તેનો અમલ કેમ થતો નથી? દર બીજા દિવસે ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતોમાં લોકો જીવ ગુમાવે છે, જેમાં હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો વધુ ભોગ બને છે. આ ઉપરાંત રસ્તા પર દોડતા ડમ્પરો પર નંબર પ્લેટ પણ નથી હોતી, જે ગંભીર ચિંતાનો વિષય છે.’
‘બીજા રાજ્યોના જજો પણ ગુજરાતની સ્થિતિ જોઈને ચોંકી જાય છે’
આ મુદ્દે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા હાઈકોર્ટે ટકોર કરી કે, ‘રસ્તા પર દર બીજી વ્યક્તિ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતી દેખાય છે. પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. હવે તો લોકો ચાલુ વાહને વીડિયો કૉલ કરે છે અને કારના ડેશબોર્ડ પર મોબાઈલ મૂકીને મૂવી જોતા જોતા ડ્રાઈવિંગ કરે છે. બીજા રાજ્યોમાંથી આવતા જજ પણ ગુજરાતની આ સ્થિતિ જોઈને ચોંકી જાય છે અને પૂછે છે કે શું તમારા રાજ્યમાં કોઈ હેલ્મેટ નથી પહેરતું?’ આ ટિપ્પણી કરીને હાઈકોર્ટે આવા તમામ જોખમી ટ્રેન્ડ તાત્કાલિક બંધ કરાવવા નિર્દેશ કર્યો હતો.
650 ટ્રાફિક જવાનોની ભરતી અને તાલીમની રજૂઆત
આ સુનાવણીમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ટ્રાફિક નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની માહિતી આપી હતી. સરકારી પક્ષે જણાવાયું હતું કે, ‘શહેરોમાં ટ્રાફિક સુચારૂ બનાવવા માટે 650 ટ્રાફિક જવાનોની ભરતી કરાઈ છે. આ ઉપરાંત TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને 30 દિવસની ખાસ ટ્રાફિક તાલીમ આપીને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં તહેનાત કરાશે.




