Ahmedabad

સાવધાન: મોબાઇલ પર અજાણી લિન્ક ખોલતાં જ બૅન્ક ખાતું ખાલી! તહેવારોમાં નેશનલ સાયબર એડવાઇઝરી

By GS Team
5 Oct 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં તહેવારો ટાણે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધવાની શક્યતા છે. નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ્ટે ચેતવણી આપી છે કે, પોર્નોગ્રાફી એપ્લિકેશન અને શંકાસ્પદ લિન્ક્સથી સાયબર છેતરપિંડી થઈ શકે છે. ગુજરાતમાં 7 મહિનામાં 1.06 લાખ ફરિયાદો નોંધાઈ છે. યુવા વર્ગને આવી લિન્ક્સ ક્લિક ન કરવા અને સાવચેત રહેવા સલાહ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન: મોબાઇલ પર અજાણી લિન્ક ખોલતાં જ બૅન્ક ખાતું ખાલી! તહેવારોમાં નેશનલ સાયબર એડવાઇઝરી

Cyber Crime Alert: Beware of Phishing Apps & Online Trap During Festivals in Gujarat | તહેવારો આવી રહ્યાં છે ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ્ટે એવી ચેતવણી જાહેર કરી છે કે, પોર્નોગ્રાફી એપ્લિકેશનના ઉપયોગથી સાયબર છેતરપિંડીના કિસ્સામાં ઉછાળો થઈ શકે છે. અશ્લીલ સામગ્રી પીરસતી લિન્ક્સ અને જાહેરાતો મોબાઇલ ફોન ઉપર મોકલવામાં આવે તેના ઉપર ક્લિક કરવામાં આવતાં જ છેતરપિંડી આચરતી અન્ય ફિશિંગ વેબસાઇટ્સના દ્વાર ખુલી જાય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી વખતે આવી લિન્ક્સ અને જાહેરાતો જોવામાં સતર્ક રહેવું જરૂરી છે.

ભારતમાં બેથી ત્રણ અબજ અને ગુજરાતમાં 30 લાખથી વધુ લોકો દરરોજ ટાઇમપાસ કરવા માટે મોબાઇલ ફોન ઉપર વોટ્સ-એપ, ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામનો બહોળો ઉપયોગ કરે છે. દિવસના ત્રણથી સાત કલાક સુધી મોબાઇલ ફોન ઉપર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાં લોકો રસપ્રદ જણાતી લિન્ક્સ ક્લિક કરવા ટેવાયેલાં છે. સોશ્યલ મીડિયા ઉપર ઘરેલુ ચીજવસ્તુઓની જાહેરખબરો કે જીવનજરૂરી જણાતી બાબતોની લિન્ક્સ ઉપર ક્લિક કરવાનું પ્રમાણ વિશેષ રહે છે. વોટ્સ-એપ કે સાદા એસ.એમ.એસ.થી મોકલાતી આ લિન્ક્સ મોટાભાગે ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ સુધી દોરી જાય છે. ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામમાં મશગુલ થઈ જતાં લોકો ઘણી વખત એવી લિન્ક્સ ક્લિક કરી દે છે કે જે અન્ય વેબસાઇટ ઉપર દોરી જાય છે. આવી વેબસાઇટ્સનો મેળો જામ્યો હોય તેમાં કોઈ વખત મોબાઇલ ધારક જાણ્યે અજાણ્યે જ એવી લિન્ક્સ ઉપર ક્લિક કરી બેસે છે કે છેતરામણીની મુસીબતો શરૂ થઈ શકે છે.

નેશનલ સાયબર થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, મોબાઇલ ધારકને ખ્યાલ પણ નથી રહેતો અને અમુક લિન્ક્સ તેમને પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ સુધી દોરી જાય છે. જાહેરાતો અને પોર્નોગ્રાફી એપ્લિકેશન્સ થકી ફિશિંગ વેબસાઇટ્સ ઉપર ધકેલવાના કિસ્સામાં તહેવારો દરમિયાન ઉછાળો આવી શકે છે તેવી સત્તાવાર ચેતવણી નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવી છે. એ.આઇ.નો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા તબક્કે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન યુવા વર્ગને વધુ સચેત રહેવાની એડવાઇઝરી કરવામાં આવી છે.

તહેવારો દરમિયાન અનેક અજાણી લિન્ક્સ મોબાઇલ ફોન ઉપર આવશે તેવા સંજોગોમાં સાવચેતીમાં જ સલામતી હોવાનું સાયબર નિષ્ણાતો કહે છે.

પોર્નોગ્રાફી એપ્લિકેશનથી કઈ રીતે છેતરપિંડી કરવામાં આવે છે?

પોર્નોગ્રાફી એપ્લિકેશનની લિન્ક ઉપર ક્લિક થતાં જ મોબાઇલ ફોન અન્ય વેબસાઇટ ઉપર રિડાયરેક્ટ થાય છે. મોબાઇલ ધારકને એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવે છે. મોબાઇલ ફોનમાં ગળાડૂબ બનેલી વ્યક્તિ જો એપ્લિકેશન ડાઉનલોડ કરી દે તો મોબાઇલ ફોન હેક કરીને સાયબર ઠગાઈની સંભાવના વધી જાય છે.

શું ધ્યાન રાખવું જોઈએ?

  • આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે પોર્નોગ્રાફી એપ્લિકેશન, જાહેરાતો, શંકાસ્પદ લિન્ક્સથી એપ્લિકેશન ફાઇલો ડાઉનલોડ ન કરવી હિતાવહ છે.
  • અજાણી એપ્લિકેશનને મોબાઇલ ફોનના ઉપયોગની પરવાનગી જાણ્યે-અજાણ્યે આપવાની ભૂલ ન કરવી.
  • કોઈપણ એપ્લિકેશન શંકાસ્પદ લાગે તો વિચાર કર્યા પછી ઉપયોગ કરવો.
  • શંકાસ્પદ જણાતી લિન્ક્સ કે એપ્લિકેશન તાત્કાલિક ડિલીટ કરી દેવી.
  • શંકાસ્પદ લિન્ક કે એપ્લિકેશન ક્લિક થઈ ગયાનું જણાય તો પાવર બટન દબાવી રાખી મોબાઇલ ફોનને સેફ મોડમાં લઈ જઈ રિસ્ટાર્ટ કરવો જરૂરી છે.

ગુજરાતમાં 7 મહિનામાં 1 લાખ સાયબર ચીટિંગ

ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત જ મહિનામાં 1.06 લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગુજરાતમાં દર કલાકે 21 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે તેમને ગુમાવેલી રકમ પરત મળવાનો દર ખુબ ઓછો છે. ફેબ્રુઆરી-2024થી જાન્યુઆરી-2026 સુધીમાં અમદાવાદીઓએ સાયબર ઠગાઈથી 134 કરોડ ગુમાવ્યાં તેમાંથી 36 ટકા એટલે કે 49 કરોડ જેટલી રકમ જ પરત મળી શકી છે તેવી વિગતો વિધાનસભામાં સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે.