Ahmedabad

અમદાવાદમાં GPSC વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા યોજાઈ, પેપર લાંબું અને તાર્કિક હોવાનો ઉમેદવારોનો દાવો

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં GPSC દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા 25 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. 8 ઓગસ્ટે જનરલ નોલેજનું પ્રથમ પેપર લેવાયા બાદ, 6 સપ્ટેમ્બરે બીજું પેપર અપાયું. ઉમેદવારોએ પેપર લાંબું અને તાર્કિક હોવાનું જણાવ્યું. નાણાકીય સંચાલન અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો વધુ હતા. સફળ ઉમેદવારોને રાજ્યના વહીવટી વિભાગોમાં નિમણૂક મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં GPSC વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા યોજાઈ, પેપર લાંબું અને તાર્કિક હોવાનો ઉમેદવારોનો દાવો

GPSC Exam: અમદાવાદમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. અમદાવાદના એમ. જી. સાયન્સ કૉલેજ સહિત 25 પરીક્ષા કેન્દ્રો પર અનિચ્છનીય બનાવ અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ 8 ઓગસ્ટના રોજ જનરલ નોલેજનું પ્રથમ પેપર લેવાયા બાદ, 6 સપ્ટેમ્બરે ઉમેદવારોએ સંબંધિત વિષયનું બીજું પેપર આપ્યું હતું.

પેપર લેન્ધી અને સમય માગી લે તેવું રહ્યું!

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે પેપર અપેક્ષા કરતાં વધુ લાંબું અને તાર્કિક હતું. નાણાકીય સંચાલન (ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ) અને વર્તમાન પ્રવાહો (કરન્ટ અફેર્સ) ને લગતા પ્રશ્નોનું પ્રમાણ વધુ રહ્યું હતું. આ પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર સફળ ઉમેદવારોને રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ સહિતના વહીવટી વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે.

પરીક્ષાર્થી અનિકેત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 'આજનું પેપર મધ્યમથી કઠિન સ્તરનું હતું. પ્રશ્નો લંબાઈમાં વધુ હોવાના કારણે વાંચવામાં જ ઘણો સમય વિતી ગયો હતો. અપેક્ષા મુજબનું માળખું 40 થી 50 ટકા જેટલું જ પૂછાયું હતું, જ્યારે બાકીનું પેપર ઉમેદવારની કાર્યક્ષેત્ર સંબંધિત વ્યવહારુ જ્ઞાન અને નિર્ણયશક્તિ ચકાસે તેવું તાર્કિક હતું. પેપર લાંબું હોવાના કારણે સમયનું સંચાલન કરવું એક મોટો પડકાર રહ્યો હતો.'

અન્ય પરીક્ષાર્થી નિમેશ ગુર્જરે જણાવ્યું હતું કે, 'સામાન્ય જ્ઞાન અને પાયાની તૈયારી ધરાવતા ઉમેદવારો માટે પેપર અનુકૂળ હતું. આશરે 200 ગુણના આ પેપરમાં કટ-ઓફ ઊંચું રહેવાની અપેક્ષા છે.'

મહિલા ઉમેદવાર ફોરમબહેને પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, 'વહીવટી સ્તરની પરીક્ષા હોવાથી પ્રશ્નોનું સ્તર યોગ્ય હતું, પરંતુ પ્રશ્નપત્ર ઘણું લાંબું હોવાથી સમય ઓછો પડ્યો હતો. સિલેબસ બહારના પણ કેટલાક પ્રશ્નો હોય તેમ લાગ્યું હતું.'

અન્ય એક મહિલા પરીક્ષાર્થી ગ્રીષ્મા રાજપૂતે જણાવ્યું હતું કે, 'પેપર ખૂબ સમય માંગી લે તેવું હતું. ક્વોન્ટિટેટિવ, કરન્ટ અફેર્સ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાંથી વધુ સવાલો પૂછાયા હતા. કેટલાક પ્રશ્નોના વિકલ્પોમાં અસ્પષ્ટતા જણાતી હતી, જેથી તે પ્રશ્નો રદ થાય તેવી શક્યતા છે. એકંદરે પરીક્ષા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.'