ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સાથે રજિસ્ટ્રારની મિલી ભગતનો આક્ષેપ, NSUIના કાર્યકરોએ લાત મારી દરવાજો તોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Scam: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલની મિલીભગતમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કથિત કૌભાંડને પગલે ભારે વિવાદ સર્જાયો છે. સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર કરોડોના કામો અને ખોટા બિલો પાસ થવા મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી રજીસ્ટ્રારના રાજીનામાની માંગ કરવામાં આવી છે. આ ગેરરીતિઓના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રારને નકલી નોટોનો હાર પહેરાવવાનો પ્રયાસ કરી ધરણાની ચીમકી આપી છે, તથા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવતીકાલે (24મી સપ્ટેમ્બર) ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન પણ આપ્યું છે.
દરવાજો તોડી રજીસ્ટ્રારની ખુરશીને પહેરાવાયો નોટોનો હાર
NSUIના કાર્યકરોએ સૂત્રોચાર કરીને પહેલા ઇન્ચાર્જ કુલપતિ સામે દેખાવો કર્યો હતો. ત્યારબાદ રજિસ્ટર હાજર ન હોવાથી તેમની ઓફિસમાં ખુરશી પર રૂપિયાનો હાર પહેરાવવા માટે એક પછી એક દરવાજાને લાતો મારીને તોડ્યો હતો. આ પછી અંદર ઓફિસમાં જઈને રજિસ્ટરની ખુરશી પર રૂપિયાનો હાર પહેરાવ્યો હતો.
PMJVK, લિપસ્ટિક-પરફ્યુમના બિલો અને પગાર કૌભાંડના ગંભીર આક્ષેપો
NSUIના કાર્યકરોના આક્ષેપો છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં દિવસેને દિવસે કરોડોના કોભાંડ બહાર આવી રહ્યા છે, જેમાં પહેલા 40 કરોડનું પીએમ જૈવિકામાં કોભાંડ થયું અને ત્યારબાદ વિદેશથી લાવવામાં આવેલ લિપસ્ટિક તથા પરફ્યુમના બિલ યુનિવર્સિટીમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઈડીએસઆરમાં પોતે પ્રિન્સિપલ બનીને 28 લાખ રૂપિયાનો પગાર તથા રજિસ્ટ્રારે 3 લાખ રૂપિયાનો પગાર લીધો છે, આમ રજિસ્ટ્રાર અને વીસીની જોડીએ ગુજરાત યુનિવર્સિટીમાં કરોડ રૂપિયાથી વધુનું કોભાંડ કર્યું છે. આથી નીરજા ગુપ્તાને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવી જોઈએ, કારણ કે આજે તેણે 14 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને આવનારા દિવસોમાં બીજા પૈસા પણ જમા કરાવવા પડશે.
નિવૃત્ત જજની કમિટી સમક્ષ પુરાવા રજૂ કરવાની ચીમકી
NSUIના કાર્યકરોની માંગ કરી છે કે, 'યુનિવર્સિટીના તમામ બિલોમાં રજિસ્ટ્રારની મુખ્ય સહી હોય છે, પરંતુ આજે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે રજિસ્ટ્રાર ગાયબ હતા, જેઓનો અમે નોટોનો હાર પહેરાવીને વિરોધ કરવાના હતા. નીરજા ગુપ્તાના કરોડો રૂપિયાના કોભાંડ વિશે વિદ્યાર્થીઓને ખબર પડે તે માટે અમે 24મી સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું છે. નીરજા ગુપ્તા વાઈસ ચાન્સેલર હતા ત્યારથી અમે રજૂઆતો કરતા હતા, પરંતુ ઇન્ચાર્જ કુલપતિ આવ્યા ત્યારે અમે તમામ બિલો અને પુરાવાઓ સાથે આ કોભાંડ સામે લાવ્યા છીએ અને આવનારા દિવસોમાં નિવૃત્ત જજની કમિટી સમક્ષ પણ તમામ બિલો રજૂ કરીશું.'
ઉલ્લેખનીય છે કે, NSUI દ્વારા રજિસ્ટાર પર કરવામાં આવેલા આક્ષેપો બાદ, જ્યારે રજિસ્ટ્રાર પિયુષ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ફોન કોલ તથા મેસેજમાં આ સમગ્ર મામલે કોઈ જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત તે ઓફિસમાં પણ હાજર ન હતા.




