ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિવાદ વચ્ચે 14 કરોડથી વધુની ગ્રાન્ટ પરત કરી, પ્રોજેક્ટમાંથી આપ્યું રાજીનામું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Scam: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને સર્જાયેલા ભારે વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીને મળેલી વિવિધ ગ્રાન્ટની કરોડો રૂપિયાની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપો અને વિવાદ વચ્ચે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડ રૂપિયાથી વધુની રકમ યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી છે.
અંગત ખાતામાં ગ્રાન્ટ જમા થતાં સર્જાયો હતો વિવાદ
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) અને ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આ બંને પ્રોજેક્ટ હેઠળ આવેલી ગ્રાન્ટની રકમ નીરજા ગુપ્તાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો હતો.
કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નીરજા ગુપ્તા આ બંને મહત્વના પ્રોજેક્ટમાં 'પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર' તરીકે સક્રિય રહ્યા હતા. જોકે, વિવાદ વકરતાં અને નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હોવાના પગલે, તેણે 14 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરવા સાથે PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું છે.
ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીનું નિવેદન
આ સમગ્ર મામલે ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, 'ગુજરાત યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે, PMJVK નામના પ્રોજેક્ટ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. આ 40 કરોડ રૂપિયામાંથી પહેલા હપ્તા પેટે ગુજરાત યુનિવર્સિટીને 16 કરોડ 53,35,362.69 રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર એટલે કે PIના ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ 11મી ઓગસ્ટના રોજ પ્રોજેક્ટના PIએ રજિસ્ટ્રારને ઈમેલ મોકલીને પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. તેણે ખર્ચ સિવાયની બાકી રકમ એટલે કે 14.59 કરોડ રૂપિયાનો રજિસ્ટ્રારના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. યુનિવર્સિટીના ધારાધોરણો અને નિયમો અનુસાર અમે PMJVK માટે એક નવું ખાતું ખોલાવ્યું છે, જે કુલપતિ, રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટ ઓફિસરની સંયુક્ત સહીથી ઓપરેટ થાય છે. આ ખાતામાં 10/9/2026ના રોજ આ 14.5 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ ગઈ છે.'
PMJVK પ્રોજેક્ટ અંગે ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, 'પ્રાપ્ત થયેલી ગ્રાન્ટમાંથી અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થયો છે. આ સંદર્ભમાં મેં PMJVK પ્રોજેક્ટમાં કામ કરી રહેલા અધિકારીઓ અને તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને તાત્કાલિક ઓડિટેડ સ્ટેટમેન્ટ્સ તૈયાર કરીને યુનિવર્સિટીમાં જમા કરાવવાની સ્પષ્ટ સૂચના આપી છે. દર વર્ષે 31/3ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી તે સમયગાળાના હિસાબોનું ઓડિટ કરીને સત્વરે રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત 11મી ઓગસ્ટ સુધી થયેલા ખર્ચનું પણ CA દ્વારા ઓડિટ કરાવીને સ્ટેટમેન્ટ યુનિવર્સિટીમાં રજૂ કરવા સૂચના આપી છે. આ ઓડિટેડ સ્ટેટમેન્ટ્સ આવ્યા બાદ અમે આગળની નિયમોનુસાર કાર્યવાહી કરીશું. સામાન્ય નિયમ મુજબ કોઈ વ્યક્તિ હોદ્દા પરથી રાજીનામું આપે ત્યારે જ ખાતામાં રહેલી રકમ જમા કરાવી દેવાની હોય છે.'
રાજીનામા અંગે ઈનચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, જ્યારે મેં વાઈસ ચાન્સલર તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે અધિકારીઓએ મને માહિતી આપી હતી કે તે કુલ 3 પ્રોજેક્ટ્સમાં PI તરીકે કાર્યરત હતા. આ 3 પ્રોજેક્ટ્સમાં PMJVK પ્રોજેક્ટ, બહુરત્ના વસુંધરા પ્રોજેક્ટ અને માઈન્ડ મેપિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ 3 પ્રોજેક્ટ્સમાંથી અત્યાર સુધી માત્ર PMJVK પ્રોજેક્ટમાંથી જ તેનું રાજીનામું મળ્યું છે. બાકીના 2 પ્રોજેક્ટ્સમાંથી કોઈ રાજીનામું મળ્યું ન હોવાથી ટેકનિકલી રીતે તેઓ હજુ પણ તે 2 પ્રોજેક્ટ્સમાં કાર્યરત છે તેમ કહી શકાય. આ સિવાય અન્ય કોઈ હોદ્દા પરથી તેમનું રાજીનામું આવ્યું હોય તેવું મારા ધ્યાનમાં નથી.'




