Ahmedabad

ટ્રાફિક નિયમોનું પાલન જ અકસ્માત અટકાવશે, વાહનચાલકો અને પદયાત્રીઓ માટે AMCએ જાહેર કરી ગાઇડલાઇન

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં માર્ગ સલામતી વધારવા AMCએ નાગરિકો, પદયાત્રીઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે. વાહનચાલકોને ગતિમર્યાદા જાળવવા, પદયાત્રીઓને પ્રાથમિકતા આપવા અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ ટાળવા જણાવાયું છે. પદયાત્રીઓને ઝીબ્રા ક્રોસિંગ અને સિગ્નલનો ઉપયોગ કરવા તેમજ વ્યસ્ત રસ્તાઓ પર ફોન-ઈયરફોન ટાળવા સૂચના અપાઈ છે. આ પહેલથી અકસ્માતો ઘટાડી સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક નિયમોનું પાલન જ અકસ્માત અટકાવશે, વાહનચાલકો અને પદયાત્રીઓ માટે AMCએ જાહેર કરી ગાઇડલાઇન

Traffic Rules AMC Guidelines Ahmedabad: અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિકની અવરજવર વચ્ચે માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો, પદયાત્રીઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશને જણાવ્યું છે કે, રસ્તાનો ઉપયોગ કરતી વખતે દરેક નાગરિકે જરૂરી સાવચેતી રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને સૌના માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવી શકાય.

વાહનચાલકો માટે AMCની ગાઇડલાઇન

નિયમોનું પાલન: ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલનું કડક પાલન કરવું તેમજ નિર્ધારિત ગતિમર્યાદા જાળવવી.
પદયાત્રીઓને પ્રાથમિકતા: ઝીબ્રા ક્રોસિંગ પર પદયાત્રીઓ રસ્તો ઓળંગતા હોય ત્યારે વાહન રોકીને તેમને પ્રથમ પ્રાથમિકતા આપવી.
આ બાબતો ટાળો: રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ઓવરસ્પીડિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો.
ઝોનલ સાવચેતી: જંકશન, શાળાઓ, હોસ્પિટલો, બજારો તેમજ ઝીબ્રા ક્રોસિંગ નજીક વાહનની ગતિ ધીમી રાખી પદયાત્રીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું.

પદયાત્રીઓ માટે મહત્ત્વની સૂચના

નિર્ધારિત સ્થળોનો ઉપયોગ: રસ્તો ઓળંગવા માટે માત્ર ઝીબ્રા ક્રોસિંગ, પેડેસ્ટ્રિયન સિગ્નલ ક્રોસિંગ અને ફૂટ ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો.
સિગ્નલની રાહ જોવી: ટ્રાફિક સિગ્નલનું કડક પાલન કરવું અને પેડેસ્ટ્રિયન સિગ્નલ પર પરવાનગી (ગ્રીન લાઇટ) મળ્યા બાદ જ રસ્તો ક્રોસ કરવો. વાહનો સંપૂર્ણપણે રોકાઈ જાય તેની રાહ જોવી.
જોખમી ક્રોસિંગ બંધ કરો: ઉતાવળમાં ચાલતા વાહનોની વચ્ચેથી અથવા અનધિકૃત સ્થળેથી રસ્તો ઓળંગવાનું ટાળવું.

ધ્યાન ભંગ કરતા ઉપકરણોથી દૂર રહો

કોર્પોરેશને વધુમાં જણાવ્યું છે કે, વ્યસ્ત રસ્તાઓ પર ચાલતી વખતે મોબાઇલ ફોન કે ઇયરફોનનો ઉપયોગ કરવાથી ધ્યાન ભંગ થાય છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે. આથી રસ્તો ક્રોસ કરતી વખતે આવા ઉપકરણોનો ઉપયોગ ન કરવાની વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકો, બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓને રસ્તો ઓળંગવામાં પ્રાથમિકતા તેમજ જરૂરી સહાય પૂરી પાડવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે.

અકસ્માતો અટકાવવા અને શહેરમાં સુરક્ષિત તથા શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પદયાત્રીઓ અને વાહનચાલકો બંનેનો સહયોગ અનિવાર્ય છે. કોર્પોરેશને તમામ નાગરિકોને સજાગ રહી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા જાળવવામાં વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે.