અમદાવાદમાં પિતા-પુત્રનો ખેલ, RBI માં જમા કરાવવાની રૂ.2000 ની નોટોના 11.86 લાખ અંગત કામ માટે વાપરી નાખ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fraud News: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ખાતે બદલવા માટે મોકલાયેલી ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોના 11.86 લાખ રૂપિયાના ઈન્સ્યોર્ડ પાર્સલ શાહીબાગ નેશનલ સોર્ટિંગ હબમાંથી અંગત ઉપયોગ માટે રાખી લઈ છેતરપિંડી આચરવા બદલ નિવૃત્ત કર્મચારી અને તેના પુત્ર સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આંતરિક ઓડિટમાં ગોટાળો પકડાયા બાદ પિતા-પુત્ર પાસેથી વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 13.12 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં સરકારી નાણાં અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ હબના મેનેજર દ્વારા બંને સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
116 ઈન્સ્યોર્ડ આર્ટિકલ સિસ્ટમમાં દર્શાવ્યા વિના સગેવગે કર્યા
શાહીબાગ નેશનલ સોર્ટિંગ હબમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દર્શન તપસ્વીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓક્ટોબર 2023માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટના પરિપત્ર બાદ નાગરિકોએ પોતાની પાસેની ૨૦૦૦ રૂપિયાની નોટો RBI ખાતે જમા કરાવવા પોસ્ટ મારફતે ઈન્સ્યોર્ડ આર્ટિકલ મોકલવાનું શરૂ કર્યું હતું. આ તમામ આર્ટિકલ સોર્ટિંગ માટે શાહીબાગ હબ ખાતે આવતા હતા.
આ સમયગાળા દરમિયાન આરોપી નટવરલાલ પંડ્યા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) તરીકે ફરજ બજાવતા હતા (જેઓ બાદમાં નિવૃત્ત થયા છે), જ્યારે તેનો પુત્ર યશ પંડ્યા ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવતો હતો. ગ્રાહકોના આર્ટિકલ RBI સુધી ન પહોંચતા થયેલી ફરિયાદોના આધારે ચીફ પોસ્ટ માસ્ટર જનરલે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે 116 જેટલા ઈન્સ્યોર્ડ આર્ટિકલની સિસ્ટમમાં કોઈ એન્ટ્રી જ કરવામાં આવી નહોતી અને તેમાંથી 11.86 લાખ રૂપિયા ગાયબ હતા.
ભાંડો ફૂટતાં વ્યાજ સાથે 13.12 લાખ ભરાવ્યા, છતાં નોંધાયો ગુનો
પોસ્ટ વિભાગની તપાસ સમિતિ સામે સમગ્ર ભાંડો ફૂટી જતાં અને ખાતાકીય દબાણ વધતાં પિતા-પુત્રએ ચેક મારફતે 13.12 લાખ (મુદ્દલ + વ્યાજ/પેનલ્ટી) સરકારી તિજોરીમાં જમા કરાવી દીધા હતા. જોકે, સરકારી મિલકત અને હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર ગુનાઈત વિશ્વાસઘાત આચર્યો હોવાથી શાહીબાગ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




