Ahmedabad

માત્ર ઉકાળેલા પાણીના સહારે 180 દિવસના ઉપવાસ: અમદાવાદના 28 વર્ષના નિપેક્ષ શેઠની કઠિન તપસ્યા

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોતામાં રહેતા 28 વર્ષીય નિપેક્ષ શેઠે જૈન ધર્મમાં 180 દિવસના કઠિન ઉપવાસની આરાધના કરી છે. 24 માર્ચથી શરૂ થયેલા આ ઉપવાસમાં તેઓ માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી રહ્યા છે. પૂજ્ય સાધ્વીજી કુલદર્શિતાશ્રીજીની પ્રેરણાથી નિપેક્ષે પાંચ વખત પાલિતાણા ગિરિરાજની જાત્રા પણ કરી છે. તેઓ 20 સપ્ટેમ્બરના રોજ પારણા કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર ઉકાળેલા પાણીના સહારે 180 દિવસના ઉપવાસ: અમદાવાદના 28 વર્ષના નિપેક્ષ શેઠની કઠિન તપસ્યા

Nipeksh Sheth Gota Ahmedabad : જૈનધર્મમાં આત્મ કલ્યાણ અને મનના સંયમ માટે ઉપવાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને મૂળ કલોલના વતની 28 વર્ષના યુવાન નિપેક્ષ શેઠે માત્ર ઉકાળેલા પાણીના આધારે 180 દિવસના અતિ કઠિન ઉપવાસની આરાધના કરી ધર્મજગતમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે.

24 માર્ચે કાળઝાળ ગરમી વચ્ચે તપસ્યાનો પ્રારંભ

નિપેક્ષ શેઠે ગત 24 માર્ચ (ચૈત્ર સુદ 6) ના રોજ કાળઝાળ ગરમી વચ્ચે પાલિતાણા આદિનાથ દાદાના દરબારમાં 180 દિવસના ઉપવાસની શરુઆત કરી હતી. હાલમાં તેમના ઉપવાસનો 150મો દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે. તેઓ હજુ એક મહિનો માત્ર ઉકાળેલું પાણી ગ્રહણ કરીને અઠ્ઠાઈ સાથે આ તપસ્યા ચાલુ રાખશે અને આગામી 20 સપ્ટેમ્બરના રોજ પારણા કરશે.

દિનચર્યામાં ધર્મ અને ઓફિસ વર્કનો સંગમ

માતા દિપાબેન શેઠ જણાવે છે કે કઠોર તપસ્યા વચ્ચે પણ નિપેક્ષ દરરોજ સવારે 6 વાગે દેરાસર જઈ સેવા-પૂજા, નવકારમંત્ર અને પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓ કરે છે. આ સિવાય બપોરના સમયે તેઓ ઘરે બેઠા પોતાનું ઓફિસ વર્ક પણ સંભાળે છે. બીકોમ કોમ્પ્યુટરનો અભ્યાસ કરનાર નિપેક્ષ પિતાના અવસાન બાદ તેમનો વ્યવસાય સંભાળી રહ્યા છે. પૂજ્ય સાધ્વીજી કુલદર્શિતાશ્રીજીની પ્રેરણાથી તેઓ આ કઠિન તપ આદરી શક્યા છે.

ઉપવાસ દરમિયાન 5 વાર પાલિતાણા ગિરિરાજની જાત્રા

180 દિવસની આ ઉગ્ર તપસ્યા દરમિયાન નિપેક્ષે પ્રથમ ઉપવાસ ઉપરાંત 36મા, 45મા, 99મા અને 115મા ઉપવાસે પાલિતાણાની જાત્રા કરી હતી. દરેક જાત્રા વખતે તેમણે તળેટીથી દાદાના દરબાર સુધીના 3500 પગથિયાં સ્વયં ચડીને આરાધના કરી હતી. અગાઉ 5 વર્ષની ઉંમરે પ્રથમ અઠ્ઠાઈ કરનાર નિપેક્ષે 2017માં 36 ઉપવાસ અને ચતુર્માસમાં 51 ઉપવાસ પણ કર્યા હતા.

દાદીના ધાર્મિક સંસ્કારોમાંથી મળી પ્રેરણા

નિપેક્ષના જણાવ્યા અનુસાર, શરુઆતના 3 થી 4 દિવસ ભૂખ અને અશક્તિને કારણે કઠિન હોય છે, પરંતુ 10 થી 11 દિવસ પછી મનોબળ મજબૂત થઈ જાય છે. તેમને નાનપણથી જ દાદી વિનોદાબેન પાસેથી જૈન ધર્મના કડક પાલનના સંસ્કારો મળ્યા હતા. દાદીની પ્રેરણા અને આંગળી પકડીને ચાલવાના કારણે જ આજે તેઓ આટલી મોટી તપસ્યા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.