ધોળકાના 8 ગામોએ આંદોલન ઉપાડ્યું, પાઇપલાઇન ખેતરોને બદલે રોડ સાઇડમાં નાખવા માંગ, ખેતરમાં ભજન-કીર્તન કરી વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Farmers Protest Over GSPL Gas Pipeline: વિકાસના નામે ખેડૂતોના પેટ પર લાત મારવાનો વધુ એક કિસ્સો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી સામે આવ્યો છે. ધોળકાના સરગવાળા ગામમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલ લિમિટેડ(GSPL) કંપનીની ગેસ પાઇપલાઇનની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પૂરતા વળતર અને યોગ્ય સહમતિ વિના જ ખેતરોમાં ગેરકાયદે રીતે જેસીબી મશીનો ઉતારી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં આઠથી વધુ ગામના ખેડૂતો વિરોધમાં જોડાયા હતા. જેમાં મહિલાઓએ હાથમાં તાળીઓ પાડી, રામધૂન અને ભજન-કીર્તન કરીને અનોખી શૈલીમાં વિરોધ નોંધાવ્યો છે.
ગેસ પાઈપલાઈનથી પાકને નુકસાન થશે: ખેડૂતો
ધોળકાના સરગવાળામાં GSPL ગેસ પાઈપલાઈન સામે ભોળાદ, સરગવાળા, અરણેજ, કોઠ ,ભાયલા ,ગાંગડ, સમાણી, જવારજ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે છેલ્લા પાંચ દિવસથી ખેતરમાં મંડપ બાંધીને વિરોધ નોંધાવી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, 'ગેસની પાઇપલાઇન પસાર થવાથી ઊભા પાકને તો નુકસાન થવાની સાથે ભવિષ્યમાં જમીનના ઉપયોગ, ખોદકામ કે કૂવા-બોર બનાવવા પર કાયમી પ્રતિબંધ આવી જશે.'
ખેડૂતોના હિતમાં નિર્ણય ન લેવાયો તો આંદોલન વધુ ઉગ્ર બનશે
ખેડૂતોએ જણાવ્યું કે, 'અમે અમારી રજૂઆતો કંપનીના અધિકારીઓને કરી છે, પરંતુ તેઓ અમારી વાતોને અવગણીને પોલીસ પ્રોટેક્શન અથવા સત્તાના જોરે કામગીરી આગળ ધપાવી રહ્યા છે. જો ખેડૂતોના હિતમાં ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.'
હાલ તો સમગ્ર સરગવાળા ગામ એકજૂથ થઈને ઊભું છે, ત્યારે વહીવટી તંત્ર અને GSPL કંપની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોની માગ છે કે, 'જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય આ મામલે તાકીદે મધ્યસ્થી કરે અને ખેડૂતોને ન્યાય અપાવે. તેમજ ગેસ લાઇન ખેડૂતોના ખેતરના બદલે, રોડની સાઈડમાં નાખવામાં આવે.'









