Ahmedabad

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, NCB એ સોસાયટીમાં રેડ પાડી કરોડોના કાચા માલ સહિત મકાન માલિકને પકડ્યો

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સરખેજમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. NCBએ વહેલી સવારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં કાચો માલ, કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાના સાધનો જપ્ત કર્યા છે. મકાન માલિકની અટકાયત કરી બોપલના કોફી શોપ સુધી તપાસ લંબાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, NCB એ સોસાયટીમાં રેડ પાડી કરોડોના કાચા માલ સહિત મકાન માલિકને પકડ્યો

MD Drug Factory Busted in Ahmedabad : અમદાવાદમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રવિવારે વહેલી સવારે સરખેજ વિસ્તારમાં આવેલા મોહમ્મદી પાર્ક નજીકના લેબન પાર્કમાં NCBની ટીમે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને મેફેડ્રોન એટલે કે એમડી (MD) ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો જથ્થાબંધ કાચો માલ, જોખમી કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાનાં આધુનિક સાધનો કબજે કરવામાં આવ્યાં છે.

ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે NCBનું ઓપરેશન

NCBના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરખેજના રહેણાંક વિસ્તારમાં આવેલા એક મકાનના ભોંયરામાં ગુપ્ત રીતે સિન્થેટિક ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે તંત્રએ રવિવારે, 15 નવેમ્બરની વહેલી સવારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. જ્યારે અધિકારીઓ મકાનના ભોંયરામાં પ્રવેશ્યા ત્યારે અંદરનો નજારો જોઈને ચોંકી ઊઠ્યા હતા. આરોપીએ રહેણાંક મકાનની આડમાં ડ્રગ્સ ઉત્પાદનનું આખું સેટ-અપ ઊભું કર્યું હતું. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે જીવલેણ ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની ઘટનાએ સ્થાનિક સુરક્ષા અને તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

મકાન માલિકની અટકાયત, બોપલના કોફી શોપ સુધી તપાસનો રેલો

આ મોટી કાર્યવાહી દરમિયાન NCBએ મકાન માલિકની અટકાયત કરીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયત કરાયેલો મકાન માલિક બોપલ વિસ્તારમાં એક કોફી શોપ પણ ચલાવે છે. ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને આ કોફી શોપનો ઉપયોગ ડ્રગ્સના વેચાણ કે સપ્લાય માટે થતો હતો કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે NCBની એક અલગ ટીમે બોપલ સ્થિત કોફી શોપ પર પણ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આંતરરાજ્ય નેટવર્ક અને સપ્લાય ચેઈન અંગે તપાસ તેજ

તપાસ એજન્સી હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગેરકાયદે ફેક્ટરી કેટલા સમયથી ધમધમતી હતી, ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ અને કેમિકલ્સ ક્યાંથી મંગાવવામાં આવતા હતા અને તૈયાર થયેલો માલ કયા શહેરોમાં કોને સપ્લાય કરવામાં આવતો હતો. આ સમગ્ર રેકેટમાં અન્ય કયા ડ્રગ પેડલરો સામેલ છે અને આ સ્થળનો ઉપયોગ માત્ર ઉત્પાદન માટે થતો હતો કે સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ તરીકે પણ થતો હતો, તે અંગે અધિકારીઓ ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે.

નવા ઝોનલ ડાયરેક્ટરના ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ મોટી કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત NCBના ઝોનલ ડાયરેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદમાં આ પ્રથમ સૌથી મોટી કાર્યવાહી છે. હાલ જપ્ત કરાયેલા કેમિકલ્સ અને કાચા માલના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અટકાયત કરાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય મોટા માથાઓના નામ ખૂલે અને કરોડોના ડ્રગ્સ રેકેટનો વધુ પર્દાફાશ થાય તેવી પૂરી શક્યતા છે.