અમદાવાદમાં મેનેજરની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીથી વૃદ્ધના લાખો રૂપિયા બચી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં સાયબર ઠગ દ્વારા નાગરિકોને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને લૂંટવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે એક કિસ્સામાં પોલીસ અને જાગૃત નાગરિકની સમયસૂચકતાથી મોટું નુકસાન થતું અટક્યું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસે સંયુક્ત રીતે એક ઓપરેશન હાથ ધરીને એક સિનિયર સિટિઝનને લાખો રૂપિયા ગુમાવતા બચાવી લીધા છે. નકલી પોલીસ અને સીબીઆઈ અધિકારી બનીને ગઠિયાઓએ આ વૃદ્ધને એટલા ડરાવી દીધા હતા કે તેઓ નોકરીના સ્થળેથી અચાનક ગાયબ થઈને ઘરે પહોંચી ગયા હતા અને કલાકો સુધી ઓનલાઈન કેદમાં રહ્યા હતા.
વીડિયો કોલ દ્વારા બનાવ્યા શિકાર
આ સમગ્ર ઘટનાની શરૂઆત 20મી જૂનના રોજ થઈ હતી, જ્યારે થલતેજની વિશાલ શિપિંગ એજન્સીમાં કામ કરતા આ સિનિયર કર્મચારીને સવારે વોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ફોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે આપીને ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ નરેશ ગોયલ-જેટ એરવેઝ જેવા મોટા આર્થિક કૌભાંડમાં થયો છે. ત્યારબાદ, કોલ સીબીઆઈને ટ્રાન્સફર કરવાનું નાટક કરી, બનાવટી બેંક ખાતા, નકલી કોર્ટ નોટિસ અને વોરંટ મોકલીને તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા. ગઠિયાઓએ તેમને કડક સૂચના આપી હતી કે જો તેઓ કોઈને જાણ કરશે કે ફોન કાપશે તો તેમને તાત્કાલિક જેલ ભેગા કરી દેવામાં આવશે.
ઓફીસે જાણ કર્યા વગર ઘરે જતા રહ્યા
સતત અપાતી ધમકીઓ અને નકલી દસ્તાવેજોના ડરથી ગભરાયેલા વૃદ્ધ ઓફિસમાં કોઈને કશું કહ્યા વિના સીધા પોતાના ઘરે જવા રવાના થઈ ગયા હતા. જોકે, કંપનીના મેનેજર વિશાલ દરજીને આ અણધારી વર્તણૂક અત્યંત શંકાસ્પદ લાગી હતી. જ્યારે તેમણે વૃદ્ધનો ફોન પર સંપર્ક કર્યો ત્યારે તેમણે ગભરાતા અવાજે કહ્યું કે તેમના પર સીબીઆઈની નજર છે અને કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આટલું સાંભળતા જ મેનેજર સમજી ગયા કે તેમના કર્મચારી ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે, જેથી તેમણે જરાય સમય બગાડ્યા વિના સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરી પોલીસ કંટ્રોલ રૂમને સતર્ક કર્યા હતા.
ફરિયાદ મળતા જ પોલીસ સતર્ક
ફરિયાદ મળતાની સાથે જ નવરંગપુરા પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ ગણતરીની મિનિટોમાં વૃદ્ધના ઘરે પહોંચી ગઈ હતી. પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધ ભયભીત અવસ્થામાં મોબાઈલ સામે બેઠા હતા અને વીડિયો કોલમાં દેખાતો ભેજાબાજ પોતાને સીબીઆઈ ડિરેક્ટર ગણાવીને સતત ધમકાવી રહ્યો હતો. સાચા પોલીસ અધિકારીઓએ તરત જ પોતાની ઓળખ આપી સ્ક્રીન પર દેખાતા નકલી અધિકારીને પડકાર્યો હતો. પોલીસે વૃદ્ધને હૈયાધારણ આપી સમજાવ્યું કે ભારતીય કાયદામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ જોગવાઈ જ નથી, ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યા તથ્ય
આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરતા કેટલીક મહત્વની વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે આ સમગ્ર કાવતરામાં વપરાયેલા વોટ્સએપ નંબરો વિદેશથી, ખાસ કરીને કંબોડિયા વિસ્તારમાંથી ઓપરેટ થઈ રહ્યા હતા. અગાઉ નોંધાયેલા આવા પ્રકારના ગુનાઓમાં પણ સાયબર ક્રિમિનલોએ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હોવાનું ખૂલ્યું છે. હાલમાં પોલીસે આ વિદેશી નંબરો અને બનાવટી ડિજિટલ પુરાવાઓને બ્લોક કરવા માટે મેટા સહિતના પ્લેટફોર્મને સત્તાવાર રજૂઆત કરી કાર્યવાહી શરૂ કરી છે.









